રાજ્યપાલ દેવવ્રતજીએ રાસાયણિક ખેતીને ગુનો ગણાવી:પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતીને બંજર થતી બચાવવા હાકલ કરી
ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતોને સંબોધતા રાજ્યપાલે રાસાયણિક ખેતીને ગુનો અને પાપ સમાન ગણાવી, ધરતીને બંજર થતી બચાવવા પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી. પરિસંવાદ દરમિયાન રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યા છે અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આજે રાસાયણિક ખેતી માત્ર વ્યવસાય નથી રહી, પરંતુ એક મોટો ગુનો અને પાપ બની ગઈ છે." રાજ્યપાલશ્રીએ એક સંશોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે માતાઓના દૂધમાં યુરિયા અને જંતુનાશકોના અંશો મળી આવ્યા છે. ખેતરોમાં વપરાતા રાસાયણિક તત્ત્વો માનવ શરીરમાં પ્રવેશી રહ્યા છે, જેના પરિણામે કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવા અપીલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે તેવી માન્યતાને ખોટી ઠેરવી હતી. રાજ્યપાલશ્રીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને જમીન, જળ અને પર્યાવરણના સંરક્ષણ માટે સૌથી અસરકારક માર્ગ ગણાવ્યો હતો. ગોબર અને ગૌમૂત્રને તેમણે પ્રાકૃતિક ખેતી માટે વરદાનરૂપ ગણાવ્યા હતા. રાજ્યપાલશ્રીએ માહિતી આપી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક કૃષિ એક જનઆંદોલન બની છે. દેશમાં અંદાજે 40 લાખ અને ગુજરાતમાં 8.5 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. વલસાડ જિલ્લામાં આશરે 24 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, અને તેમણે વહીવટીતંત્રને વધુ પાંચ હજાર ખેડૂતોને આ અભિયાન સાથે જોડવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રાકૃતિક ખેતીને ધરતીમાતાના સંરક્ષણનું મહાન કાર્ય ગણાવ્યું હતું. ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. પરિસંવાદમાં પ્રગતિશીલ ખેડૂતો કમલેશભાઈ પટેલ અને અમિતભાઈ મકરાણીએ પોતાના સફળ અનુભવો શેર કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →