ઉદવાડાના યુવાને પોતાનું સ્ટાર્ટઅપ ‘મોર્ડન ફૂડ્સ ઈન્ડિયા’ શરૂ કર્યું:3 વર્ષમાં રૂ. 5.50 કરોડનું ટર્નઓવર, 85 પરિવારોને રોજગારી પૂરી પાડી

Gujarat6/2/2026, 2:41:25 PM
ઉદવાડાના યુવાને પોતાનું સ્ટાર્ટઅપ ‘મોર્ડન ફૂડ્સ ઈન્ડિયા’ શરૂ કર્યું:3 વર્ષમાં રૂ. 5.50 કરોડનું ટર્નઓવર, 85 પરિવારોને રોજગારી પૂરી પાડી
પારડી તાલુકાના ઉદવાડા ગામના 32 વર્ષીય આશિષ અનિલભાઈ હળપતિએ મહેનત અને આત્મવિશ્વાસના સહારે સફળતાની ગાથા લખી છે. તેમણે સરકારી યોજનાઓની મદદથી પોતાનું સ્ટાર્ટઅપ ‘મોર્ડન ફૂડ્સ ઈન્ડિયા’ શરૂ કર્યું, જેણે 3 વર્ષમાં રૂ. 5.50 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને આજે 85 પરિવારોને રોજગારી પૂરી પાડે છે. આશિષ અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતાના અવસાન બાદ માતાએ લોકોના ઘરે કામ કરીને તેમને ભણાવ્યા હતા. સંઘર્ષ વચ્ચે શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, આશિષે નોકરીને બદલે ઉદ્યોગસાહસિક બનવાનો માર્ગ પસંદ કર્યો. વર્ષ 2015માં બી.કોમ. અને બાદમાં એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, આશિષે 2023માં ઉદવાડામાં માત્ર 1800 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ‘મોર્ડન ફૂડ્સ ઈન્ડિયા’ નામે સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, આત્મનિર્ભર ભારત યોજના અને એસસી/એસટી હબ સ્કીમ હેઠળ કુલ રૂ. 1.05 કરોડથી વધુની લોન મેળવી પોતાના વ્યવસાયનો વ્યાપ વધાર્યો. આજે તેમનો કારોબાર 11 હજાર સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે. આશિષ હાલમાં સમોસા પટ્ટી અને સ્પ્રિંગ રોલનું ઉત્પાદન કરે છે. પારડી અને વડોદરામાં આવેલા તેમના પ્લાન્ટમાં રોજના 7 ટન ઉત્પાદન થાય છે. તેમની પ્રોડક્ટ્સ ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પહોંચે છે. તેમની કંપનીમાં હાલમાં 85 લોકોને રોજગારી મળી રહી છે. શરૂઆતમાં વર્ષે રૂ. 30થી 40 લાખનું ટર્નઓવર કરનાર આશિષ આજે વાર્ષિક રૂ. 5.50 કરોડનું ટર્નઓવર કરે છે અને તમામ ખર્ચ બાદ આશરે રૂ. 40 લાખનો નફો મેળવે છે. તાજેતરમાં સુરતમાં યોજાયેલી સમિટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે તેમને એવોર્ડ અને રૂ. 2 લાખની પ્રોત્સાહક રકમ એનાયત કરવામાં આવી હતી. આશિષ હળપતિએ જણાવ્યું હતું કે, “સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની શકે છે. સફળતા માટે સતત મહેનત, આત્મવિશ્વાસ અને ધીરજ સૌથી મહત્વપૂર્ણ છે.”
Read Original Article →