ભાસ્કર સ્ટિંગ:જે યુવાન દુનિયામાં નથી, એજન્ટે તેની પરીક્ષા આપી લર્નિંગ લાયસન્સ ‘પાસ’ કરાવી દીધું!

Gujarat6/5/2026, 12:00:00 AM
ભાસ્કર સ્ટિંગ:જે યુવાન દુનિયામાં નથી, એજન્ટે તેની પરીક્ષા આપી લર્નિંગ લાયસન્સ ‘પાસ’ કરાવી દીધું!
પાર્થિવ દેસાઈ |બારડોલી, મેહુલ પટેલ |વલસાડ રાજ્યમાં લર્નિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને સરળ અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે શરૂ કરાયેલી ‘ઘરબેઠાં ઓનલાઈન સુવિધા’ હવે ગેરરીતિઓનું મોટું માધ્યમ બની રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો ‘દિવ્ય ભાસ્કર’ના સ્ટિંગ ઓપરેશનમાં થયો છે. આરટીઓ કચેરીમાં ફરજિયાત લેવાતી કમ્પ્યુટર પરીક્ષાની વ્યવસ્થામાં સમયાંતરે કરાયેલા બદલાવો બાદ, હવે એજન્ટોએ આ ઓનલાઈન સિસ્ટમમાં પણ મસમોટાં છીંડાં શોધી કાઢ્યાં છે. અરજદારોને કમ્પ્યુટર સ્ક્રીન સામે બેસાડ્યા વિના જ, એજન્ટો પોતે ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ પાસ કરાવી આપવાનો ખુલ્લો ખેલ ચલાવી રહ્યા છે. અગાઉ લર્નિંગ લાયસન્સ માટે અરજદારે સીધા આરટીઓ કચેરીમાં જઈને કમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવી પડતી હતી. બાદમાં આ પ્રક્રિયાઆઈટીઆઈ સંસ્થાઓમાં ખસેડાઈ હતી. ત્યારબાદ સરકારે લોકોને વધુ સરળતા રહે તે માટે ઘરેબેઠા જ ઓનલાઈન પરીક્ષા આપવાની છૂટ આપી. પરંતુ ટેક્નોલોજીના આ સુધારાનો એજન્ટોએ ગેરલાભ ઉઠાવી લીધો છે અને સિસ્ટમની ખામીઓનો ઉપયોગ કરી ભ્રષ્ટાચારનો નવો રસ્તો બનાવી દીધો છે. દિવ્ય ભાસ્કરની ટીમે સમગ્ર મામલાનું સત્ય બહાર લાવવા માટે એક સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ગણતરીની મિનિટોમાં લર્નિંગ લાયસન્સ કઢાવી આપવાનો દાવો કરતા એક એજન્ટનો ટીમે સંપર્ક કર્યો. ઓનલાઇન સિસ્ટમ સુરક્ષિત છે કે કેમ તે ચકાસવા માટે ભાસ્કર ટીમે જાણીજોઈને એક એવા યુવાનના દસ્તાવેજો એજન્ટને મોકલ્યા, જેનું અવસાન થઈ ચૂક્યું છે! એજન્ટને એવું બહાનું બતાવવામાં આવ્યું કે, ‘યુવાન હાલ જયપુરમાં અભ્યાસ કરે છે અને પરીક્ષા આપવા માટે હાજર રહી શકે તેમ નથી.’’ આ સાંભળવા છતાં, એજન્ટે સહેજ પણ સંકોચ રાખ્યા વિના ગેરંટી આપતાં કહ્યું, ‘ચિંતા ન કરો, લાયસન્સ થઈ જશે.’ શરૂઆતમાં એજન્ટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને કેટેગરીના લર્નિંગ લાયસન્સ માટે 3 હજારની માંગણી કરી હતી. જોકે, અમે માત્ર ટુ-વ્હીલરનું જ લાયસન્સ જોઈએ છે તેમ કહેતાં 2 હજારનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. મોબાઇલ પેમેન્ટ દ્વારા એજન્ટને ઓનલાઇન નાણાં ચૂકવાયા બાદ રમત શરૂ થઈ હતી. એજન્ટે મૃતક યુવાનના દસ્તાવેજોના આધારે પોતે જ કમ્પ્યુટર પર ઓનલાઇન પરીક્ષા આપી દીધી અને લર્નિંગ લાયસન્સ મેળવી લીધું! આશ્ચર્યની વાત એ છે કે, જે અરજદાર આ દુનિયામાં જ નથી, તેના નામે ટેસ્ટ ‘પાસ’ થઈ ગયો અને સિસ્ટમને ખબર પણ ન પડી. આ આખી ઘટનાએ ઓનલાઇન લર્નિંગ લાયસન્સ પ્રક્રિયાની વિશ્વસનીયતા અને સુરક્ષા સામે અત્યંત ગંભીર સવાલો ઊભા કર્યા છે. માર્ગ સલામતી માટે જે ટ્રાફિક નિયમોની પરીક્ષા અનિવાર્ય ગણાય છે, તે જો માત્ર કાગળ પર જ સીમિત રહી જશે તો રસ્તાઓ પર અણઘડ અને બિનપ્રશિક્ષિત ચાલકોનો આતંક વધશે, જે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકશે. ભાસ્કર ટીમ અને એજન્ટ વચ્ચેની ફોન પરની વાતચીત રસ્તા પર મોત ભમશે? ટ્રાફિક નિયમોના જ્ઞાન વગર જ લાયસન્સની લહાણી; ‘સંજોગો સેટ થશે તો પાકું લાયસન્સ પણ કઢાવી આપીશું' એવી એજન્ટની ખુલ્લી ઓફર ભાસ્કર : મારે એક અર્જન્ટ કામ છે. છોકરો જયપુરમાં ભણે છે અને અત્યારે નિયમો બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે, એટલે લાયસન્સની તાત્કાલિક જરૂર છે. એજન્ટ : હા, લર્નિંગ તો હું અત્યારે જ કરી આપીશ, પણ હાલ પાકા લાયસન્સની કોઈ ગેરંટી નથી. ભાસ્કર : અરે, અત્યારે લર્નિંગ થઈ જાય તોય ઘણું છે. એજન્ટ : તો લર્નિંગમાં કોઈ વાંધો નહીં આવશે, એ થઈ જશે. પાકા લાયસન્સનું અત્યારે સેટિંગ થશે કે નહીં એ નક્કી નથી. ભાસ્કર : ડોક્યુમેન્ટ્સમાં શું-શું જોઈશે? એજન્ટ : આધારકાર્ડ અને એક ફોટો. ભાસ્કર : પેમેન્ટનું કેવી રીતે કરવાનું? અને કેટલું થશે? એજન્ટ : લર્નિંગના 3000 થશે. તેમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને આવી જશે. ભાસ્કર : હા, બરાબર. એજન્ટ : જોજો, પાકા લાયસન્સનું મેં તમને પહેલાં જ કહી દીધું છે, એની અત્યારે હું જવાબદારી નથી લેતો. પણ ભવિષ્યમાં જેવું સેટિંગ અવેલેબલ થશે એટલે કોન્ટેક્ટ કરજો, એ પણ સેટ કરી આપીશું. (મોબાઈલ પર મૃતક યુવાનના દસ્તાવેજો મોકલ્યા બાદ ફરી વાતચીત થઈ) ભાસ્કર : જો આપણે ફક્ત ટુ-વ્હીલરનું જ કઢાવવું હોય તો કેટલા લેશે? એજન્ટ : તો 2000 થશે. ભાસ્કર : થોડા ઓછા કરો ને ભાઈ! એજન્ટ : ના, એ ફિક્સ રેટ જ છે. એમાં રૂપિયોય ઓછો નહીં થાય. (બીજા દિવસે, એજન્ટે પોતે ઓનલાઈન ટેસ્ટ આપી દીધા પછી) ભાસ્કર : હા ભાઈ, પેલું લાયસન્સનું શું થયું? એજન્ટ : લાયસન્સ થઈ ગયું છે તમે પોતે પણ હવે ઓનલાઈન એપ પરથી ડાઉનલોડ કરી શકો છો. સિસ્ટમમાં ક્યાં છે ખામી? ઓળખની ચકાસણીનો અભાવ: ઘરબેઠાં ઓનલાઈન પરીક્ષાની સુવિધાને કારણે કમ્પ્યુટર સામે અસલી અરજદાર બેઠો છે કે કોઈ એજન્ટ, તે ચકાસવાની વ્યવસ્થા સદંતર નિષ્ફળ રહી છે. લાઈવ મોનિટરિંગ નબળું: પરીક્ષા દરમિયાન વેબકેમેરા અને લાઈવ મોનિટરિંગની ટેક્નોલોજી એટલી ચુસ્ત નથી કે ગેરરીતિ પકડી શકાય. એજન્ટોની પ્રોક્સી ગેમ: એજન્ટો અરજદારોના આઈડી-પાસવર્ડ મેળવીને પોતાના કમ્પ્યુટર કે મોબાઈલ પરથી જ પરીક્ષા આપી દે છે. દસ્તાવેજોનું સુપરફિશિયલ વેરિફિકેશન: અપલોડ કરાયેલા દસ્તાવેજો સાચા છે કે ખોટા, કે સંબંધિત વ્યક્તિ હયાત છે કે નહીં, તેની સઘન વેરિફિકેશન સિસ્ટમ નથી. લર્નિંગ લાયસન્સ શા માટે મહત્વનું? લર્નિંગ લાયસન્સ માત્ર ગાડી ચલાવવાની છૂટ આપતો દસ્તાવેજ નહીં પણે ચાલકને ટ્રાફિક સાઇન્સ, નિયમો અને માર્ગ સલામતીની મૂળભૂત સમજણ છે કે નહીં તે ચકાસવાનું કાનૂની માધ્યમ છે.
Read Original Article →