મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ:મંડળીઓ રસીદમાં તથા દૂધની થેલીઓ પર મતદાર જાગૃતિ અંગેનો સંદેશ છપાવશે
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા અંગે નાગરીકોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન અને SVEEP મેનેજમેન્ટના નોડલ અધિકારી દ્વારા જુદી જુદી પ્રવૃત્તિ તથા કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે. મતદાર જાગૃતિ કાર્યક્રમ કેલેન્ડર સ્વીપ મેનેજમેન્ટ દ્વારા તૈયાર કરી 7 એપ્રિલથી મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અભિયાન હેઠળ આગામી 24 એપ્રિલ સુધી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. મતદાર જાગૃતિ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ મતદારોમાં જાગૃતિ લાવવાનો અને મતદાન પ્રત્યે લોકોમાં રસ વધારવાનો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો તથા વિવિધ સંસ્થાઓને જોડીને વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર જાગૃતિ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવું, મતદાન સંકલ્પ, પ્રભાત ફેરી, રેલી વિગેરેનું આયોજન, દૂધ મંડળીઓ સાથે બેઠક કરી તેઓ દ્વારા અપાતી દૂધની રસીદમાં તથા દૂધની થેલીઓ પર મતદાર જાગૃતિ અંગેનો સંદેશ છપાવવો, વિવિધ મંડળીઓ, બજાર સમિતિઓના ભવનો પર બેનર્સ અને પોસ્ટર્સ લગાવવામાં આવશે. યુવા, મહિલા, વયસ્ક મતદારોમાં જાગૃતિ માટે ખાસ કાર્યક્રમો જેવા કે, સિગ્નેચર ડ્રાઈવ, સોશિયલ સાઈટ્સ પર સંદેશા પ્રસારણ, મોબાઇલ સંદેશાઓ જેવા કાર્યક્રમો હાથ ધરાશે. વેબસાઇટ ઉપર પણ જાગૃતિ સંદેશ
વધુ અવર-જવર રહેતી હોય તેવા જાહેર સ્થળે મતદાર જાગૃતિ અંગેના હોર્ડિગ્સ પ્રદર્શિત કરવા, કચેરીઓ, મંડળો, સંઘો, દવાખાના, શાળાઓ વિગેરેના મકાનો તથા ચોક વિગેરે સ્થળે મતદાન માટેની નિમંત્રણ પત્રિકા છપાવી કે નોટીસ બોર્ડ પર લખી મૂકવી, સરકારી વેબસાઈટસ, 7-12, 8-અ નકલ તેમજ જનસેવા કેન્દ્રની રસીદ પર સંદેશા મુકવા, બસ સ્ટેન્ડ તથા બસો પર પોસ્ટર્સ પ્રદર્શિત કરવા, જિલ્લાના તમામ એસટી ડેપો મેનેજરની નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરવી. સરકારી વાહનો તેમજ અન્ય પ્રાઇવેટ વાહનો પર મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાડવા, સિનેમાગૃહો, સ્થાનિક સમાચાર એજન્સી, કેબલ ઓપરેટરો દ્વારા વિજ્ઞાપન દ્વારા જાગૃત્તિ, ચૂંટણી સાથે સંકળાયેલ હોય તેવા અધિકારીનું વ્હોટસએપ ગ્રુપ બનાવી સૂચનોનું વહન કરવુ, જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમો ફેસબુક અન્ય સોશિયલ મીડિયા સાઈટ પર અપલોડ કરાવવાના રહેશે, જેથી ડિજિટલ માધ્યમનો વધુમાં વધુ ઉપયોગ કરી મતદાન અંગે જાગૃતિ ફેલાવી શકાશે.
Read Original Article →