સરીગામ GIDCમાં ઉદ્યોગપતિની કારમાંથી ₹3 લાખની ચોરી:વાપી બેંક પાસેથી જ બે અજાણ્યા બાઇક સવારોએ કારનો સતત પીછો કર્યો હતો
વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ધોળે દહાડે ચોરીનો બનાવ સામે આવ્યો છે. સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના 48 વર્ષીય સેક્રેટરી આનંદકુમાર દોલતરાય પટેલની કારનો કાચ તોડી ₹3 લાખ રોકડાની ચોરી થઈ હતી. આ ઘટના ગઇકાલે બપોરે બની હતી. આનંદકુમાર પટેલ વાપીની SBI બેંકમાંથી કર્મચારીઓના પગાર માટે ₹500ના દરની નોટોના 6 બંડલ, કુલ ₹3 લાખ રોકડા ઉપાડી રહ્યા હતા. તેમણે આ રકમ પોતાની હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર (નંબર GJ-15-CM-9585) ના ડેશબોર્ડમાં મૂકી હતી અને સરીગામ પરત ફરી રહ્યા હતા. સરીગામ GIDC માં આવેલી રવેશીયા ઓર્ગેનિક કંપનીમાં આગ લાગ્યાની જાણ થતાં, તેઓ બપોરે આશરે દોઢ વાગ્યે પોતાની કાર વેરીટાસ કંપની સામે રોડની બાજુમાં પાર્ક કરી આગ બુઝાવવામાં મદદ કરવા ગયા હતા. આગ કાબુમાં આવ્યા બાદ બપોરે સવા બે વાગ્યે તેઓ પરત ફર્યા ત્યારે કારની ક્લીનર સાઇડનો કાચ તૂટેલો હતો. ડેશબોર્ડમાંથી ₹3 લાખ રોકડા ગાયબ હતા, જોકે કારમાં રહેલું લેપટોપ અને બેગ સુરક્ષિત હતા. સીસીટીવી ફૂટેજની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. વાપી બેંક પાસેથી જ બે અજાણ્યા બાઇક સવારોએ આનંદકુમારની કારનો સતત પીછો કર્યો હતો. ફરિયાદી આગની ઘટનામાં વ્યસ્ત થતા જ તકનો લાભ લઈ ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર મામલે આનંદકુમાર પટેલે સરીગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી સીસીટીવીના આધારે આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે.
Read Original Article →