રોલા ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ પૂર્ણ:સરપંચ અને ટીમ સામે લગાવવામાં આવેલા આક્ષેપો મોટાભાગના આક્ષેપો પાયાવિહોણા નીકળ્યા

Gujarat6/10/2026, 1:59:13 PM
રોલા ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ પૂર્ણ:સરપંચ અને ટીમ સામે લગાવવામાં આવેલા આક્ષેપો મોટાભાગના આક્ષેપો પાયાવિહોણા નીકળ્યા
વલસાડ તાલુકાના રોલા ગામમાં સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ પૂર્ણ થઈ છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના આદેશ બાદ પંચાયત વિભાગની સંયુક્ત ટીમે 30 દિવસમાં અહેવાલ રજૂ કર્યો છે. આ તપાસમાં મોટાભાગના આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે, રોલા ગામના ભીમ ફળિયાના રહેવાસી મોહનભાઈ બુધાભાઈ પટેલ સહિત ગ્રામજનોએ 13 માર્ચ, 2026ના રોજ જિલ્લા કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં પંચાયતના વિવિધ વિકાસકામોમાં નાણાકીય ગેરરીતિ, બોગસ સહી અને સરકારી ગ્રાન્ટના દુરુપયોગના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DDOએ પંચાયત વિભાગને સ્થળ તપાસ અને દસ્તાવેજોની ચકાસણી કરીને અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. તપાસ દરમિયાન અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા કુલ 28 મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. કમ્પ્લીશન સર્ટિફિકેટમાં સરપંચની બોગસ સહી કરીને નાણાં ઉપાડી લેવાયા હોવાના આક્ષેપ અંગે અધિકારીઓએ પંચાયતના રેકોર્ડ, મિલકત રજિસ્ટર અને અન્ય દસ્તાવેજો તપાસ્યા હતા. જેમાં તમામ સહીઓ એકસમાન હોવાનું નોંધવામાં આવ્યું હતું. જોકે, સહીની ફોરેન્સિક તપાસ કરવામાં આવી ન હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. સુંદર ફળિયામાં મંજૂર કરાયેલા બે બોરવેલના કામ સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ કરાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બંને સ્થળોએ કામની વિગતો દર્શાવતી સરકારી તકતીઓ પણ જોવા મળી ન હતી, જેના કારણે પ્રશ્નો ઊભા થયા છે. એક જ નાળા-ગટરના કામને બે વખત દર્શાવી નાણાં ખર્ચાયા હોવાના આક્ષેપ અંગે તપાસ ટીમે સ્પષ્ટતા કરી હતી કે લાંબા અંતરને કારણે કામ તબક્કાવાર થયું હતું અને ગ્રાન્ટની મર્યાદાને કારણે કામ અધૂરું રહ્યું છે. તપાસનો એક નોંધપાત્ર મુદ્દો સ્મશાનઘર ખાતેના તાર કમ્પાઉન્ડનો હતો. ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રૂ. 1.50 લાખના ખર્ચે બનાવાયેલા આ કમ્પાઉન્ડમાં સ્થળ પર માત્ર લોખંડની એન્ગલો જ જોવા મળી હતી, જ્યારે તાર ગાયબ હોવાનું પંચોએ પણ સ્વીકાર્યું હતું. આ મુદ્દો ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ તપાસ અહેવાલ વલસાડ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી જે.એમ. પટેલ, જિલ્લા પંચાયતના નાયબ ચીટનિશ જે.પી. વાંસિયા તેમજ મદદનીશ ઈજનેરોની સંયુક્ત ટીમે તૈયાર કર્યો છે. આ અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યો છે. હવે આ અહેવાલના આધારે આગળની વહીવટી અને કાયદેસરની કાર્યવાહી પર સૌની નજર મંડાયેલી છે.
Read Original Article →