5 જૂને દ.ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે:PM મોદી ભરૂચના 6 અને વલસાડ જિલ્લાના 2 પ્રોજેક્ટ્સ સહિત ₹18777 કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂનના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતને ઔદ્યોગિક વિકાસની મોટી ભેટ આપશે. સુરત ખાતે યોજાનારા કાર્યક્રમમાં તેઓ ભારત અને ગુજરાત સરકારના ₹18,777 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) હેઠળ ₹1063.43 કરોડના 8 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સમાં ભરૂચ જિલ્લાના 6 અને વલસાડ જિલ્લાના 2 પ્રોજેક્ટ્સ સામેલ છે. પ્રદૂષિત પાણીનો વૈજ્ઞાનિક નિકાલ
ભરૂચ જિલ્લામાં ₹894 કરોડથી વધુના 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે. દહેજ PCPIR વિસ્તારમાં ₹474.61 કરોડના ખર્ચે 90 MLD ક્ષમતાની ઑનશોર અને ઑફશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇન તૈયાર કરવામાં આવી છે. સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજના લેન્ડફોલ પોઇન્ટ સુધીની આ પાઇપલાઇન પ્રદૂષિત પાણીના વૈજ્ઞાનિક નિકાલમાં મહત્વની ભૂમિકા ભજવશે. દહેજ વિસ્તારમાં હાલમાં 1000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેથી આ પ્રોજેક્ટ પર્યાવરણ સંરક્ષણ અને ઔદ્યોગિક વિકાસ બંને માટે મહત્વપૂર્ણ છે. બલ્ક ડ્રગ પાર્ક
આ ઉપરાંત, જંબુસર ખાતે વિકસાવવામાં આવેલા બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને આધુનિક સુવિધાઓ પૂરી પાડીને રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી કરશે. દહેજ-2માં 30 MLD ક્ષમતાના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, પાનોલી વિસ્તરણ ઔદ્યોગિક વસાહતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, અંકલેશ્વરમાં એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન માટે બૂસ્ટર પમ્પિંગ સ્ટેશન તેમજ દહેજ-1માં નેચરલ ડ્રેઇન-2ના અપગ્રેડેશન જેવા પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સરીગામના GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
વલસાડ જિલ્લાના સરીગામમાં વડાપ્રધાન બે મહત્વપૂર્ણ GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, જેનો કુલ ખર્ચ ₹169.3 કરોડ છે. આમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની ક્ષમતા 15 MLDથી વધારીને 25 MLD કરવામાં આવી છે. ઉપરાંત, સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સાથે HDPE ઑનશોર અને ઑફશોર આઉટફૉલ પાઇપલાઇનનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટ્સથી સરીગામ ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષિત પાણીના અસરકારક નિકાલ અને પર્યાવરણલક્ષી ધોરણોના પાલનને વધુ મજબૂતી મળશે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપતા આ પ્રોજેક્ટ્સથી આગામી વર્ષોમાં રોકાણ અને રોજગારીની તકોમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
Read Original Article →