પીએમ દમણની મુલાકાત લેશે:એરપોર્ટ ટર્મિનલ અને મરવડ હોસ્પિટલનું લોકાર્પણ કરશે
જૂનના પ્રથમ સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલ અને મરવડ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ભવ્ય કાર્યક્રમ નાની દમણના સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આ પહેલા દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં સાત વખત વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી ચૂક્યા છે. આ તેમની આઠમી મુલાકાત હશે. કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે પ્રશાસકે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો સાથે બેઠક યોજી હતી. પીએમના સ્વાગત માટે મુખ્ય માર્ગો પર બેનર, હોર્ડિંગ્સ, વિશેષ પ્રવેશ દ્વાર, ઘરોમાં તોરણ અને એરપોર્ટથી સભાસ્થળ સુધી ભારતીય સંસ્કૃતિના નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશાસક દ્વારા આ જાહેર સભામાં વિશાળ જનમેદની એકત્ર કરવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ, પર્યાવરણ અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને હોટલ માલિકોને એક વિશેષ અપીલ કરવામાં આવી છે. તેમને પ્રવાસીઓને દેવકા અને જમ્પોર જેવા સ્થળોએ ફરવા માટે ગાડીના બદલે સાયકલનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જણાવાયું છે. ઇંધણ બચાવવાની આ પહેલને દેશની મોટી સેવા ગણાવીને હોટલ સંચાલકોને પોતાની હોટલના રૂમની સંખ્યા કરતા દોઢા પ્રમાણમાં સાયકલ રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.
Read Original Article →