પારડીના સરોધીમાં SOGની રેડ:₹37 લાખથી વધુના 18 ગાંજાના છોડ ઝડપાયા, એકની ધરપકડ
વલસાડ SOG ટીમે પારડીના સરોધી ગામમાં દરોડો પાડી ₹37 લાખથી વધુ કિંમતના 18 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જમીન માલિક સહિત બેને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસને બાતમીના આધારે સરોધી ગામના બરવાળી ફળિયામાં આવેલા બ્લોક/સર્વે નંબર 875 વાળી ખેતીની જમીન પરથી આ જથ્થો મળ્યો હતો. જપ્ત કરાયેલા 18 લીલા ગાંજાના છોડનું કુલ વજન 74.310 કિલોગ્રામ છે, જેની બજાર કિંમત ₹37,15,500/- આંકવામાં આવી છે. પોલીસે ₹5,000/- ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે, આમ કુલ ₹37,20,500/- નો મુદ્દામાલ કબજે લેવાયો છે. પકડાયેલા આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ અમ્રતભાઈ કોંતી (ઉં.વ. 23, રહે. માની ગામ, કપરાડા) ની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જમીન હર્ષીલ નરેન્દ્રભાઈ પટેલની માલિકીની છે. વોન્ટેડ આરોપી હર્ષીલ પટેલે જીતેન્દ્રને ગાંજાનું બીયારણ આપ્યું હતું અને તેના કહેવાથી જ જીતેન્દ્ર ગેરકાયદેસર રીતે ગાંજાની વાવણી કરી તેની માવજત કરતો હતો. વલસાડ SOG PI દિનેશ પરમારના નેતૃત્વમાં PSI યોગેશકુમાર પતાભાઈ હડીયા અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પારડી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપી હર્ષીલ પટેલને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →