પારડીમાં બંધ મકાનમાંથી 9.02 લાખની ચોરી:પરિવાર જન્મદિવસની ઉજવણીમાં ગયો ત્યારે તસ્કરો ત્રાટક્યા

Gujarat5/24/2026, 8:08:17 AM
પારડીમાં બંધ મકાનમાંથી 9.02 લાખની ચોરી:પરિવાર જન્મદિવસની ઉજવણીમાં ગયો ત્યારે તસ્કરો ત્રાટક્યા
પારડી તાલુકાના ડુંગરી ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹9.02 લાખની મત્તાની ચોરી કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે પરિવાર સંબંધીના દીકરાના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ડુંગરી ગામના બેરવાડ ફળિયામાં રહેતા પન્નાબેન પટેલનો પરિવાર શુક્રવારે સાંજે બલીઠા ખાતે તેમના ભાઈના દીકરાના જન્મદિવસની ઉજવણીમાં ગયો હતો. શરૂઆતમાં ઘરમાં મોટી દીકરી હાજર હતી, પરંતુ બાદમાં તે પણ બલીઠા પહોંચી જતા મકાન બંધ રહ્યું હતું. રાત્રે આશરે સાડા દસ વાગ્યે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. દરવાજો અંદરથી બંધ હોવાથી પરિવારે પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અંદર જઈ જોયું તો બેડરૂમનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને કબાટના લોકર તેમજ સેટી પલંગના ડ્રોઅરના લોક તોડેલા હતા. તપાસ કરતાં ઘરમાંથી કુલ અંદાજે 205.5 ગ્રામ સોનાના દાગીના અને ₹80 હજારની રોકડ રકમ મળી કુલ ₹9.02 લાખની મત્તા ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. ચોરાયેલા દાગીનામાં બે મંગલસૂત્ર, સોનાની ચેઇન, બુટ્ટીની જોડી, પાંચ સોનાના પેન્ડલનો સમાવેશ થાય છે. રોકડ રકમમાં મહિલા મંડળના ₹50 હજાર પણ સામેલ હતા. બનાવ અંગે પન્નાબેન પટેલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી FSL ટીમ, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે આસપાસના CCTV ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →