પારડીમાં ઘરના ACમાંથી 3 સાપ નીકળ્યા:ગરમીથી બચવા ACમાં આશરો; ACની પાઇપ અને દીવાલ વચ્ચેની જગ્યા સીલ ન હોય તો જોખમ

Gujarat5/13/2026, 9:06:39 AM
પારડીમાં ઘરના ACમાંથી 3 સાપ નીકળ્યા:ગરમીથી બચવા ACમાં આશરો; ACની પાઇપ અને દીવાલ વચ્ચેની જગ્યા સીલ ન હોય તો જોખમ
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોણીયા રેલવે ફળિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઘરના એર કંડિશનર (AC) મશીનની અંદરથી એકસાથે 3 સાપ નીકળતા પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગરમીથી બચવા અને ઠંડકની શોધમાં આ સરીસૃપો ઘરમાં ઘૂસ્યા હોવાનું અનુમાન છે, જેમને બાદમાં જીવદયા પ્રેમીઓ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. AC મશીનમાં સાપની હલચલથી ફફડાટ ઘટનાની વિગત મુજબ, પરિવારના સભ્યો રૂમમાં હતા ત્યારે તેમની નજર દીવાલ પર લાગેલા AC મશીન પર પડી હતી. ACની અંદર સાપ જેવી કોઈક હલચલ દેખાતા જ ઘરના સભ્યો હેબતાઈ ગયા હતા. જ્યારે તેમણે નજીક જઈને તપાસ કરી તો માલૂમ પડ્યું કે મશીનની અંદર એક નહીં પણ 3 સાપ છુપાયેલા છે. જીવદયા પ્રેમીઓ દ્વારા પડકારજનક રેસ્ક્યુ એકસાથે ત્રણ સાપ જોઈને ઘરમાં દોડધામ મચી ગઈ હતી, જે બાદ પરિવારે તાત્કાલિક સ્થાનિક જીવદયા પ્રેમીઓનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ જીવદયા ગ્રુપના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાપ મશીનની અંદરના ભાગમાં ગૂંચળું વળીને બેઠા હોવાથી તેમને બહાર કાઢવાનું કાર્ય ખૂબ જ પડકારજનક અને જોખમી હતું. પેનલ ખોલી સાપોને જંગલમાં મુક્ત કરાયા જીવદયાના સભ્યોએ અત્યંત સાવચેતીપૂર્વક AC મશીનની પેનલ ખોલી હતી. મશીન ખોલતા જ અંદરથી એક પછી એક એમ ત્રણેય સાપોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય સાપ પકડાઈ જતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ આ સાપોને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હતા. ઉંચાઈ પર રહેલા ACમાં સાપ કેવી રીતે પહોંચ્યા? આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં એક જ ચર્ચા છે કે જમીનથી આટલી ઊંચાઈ પર અને દીવાલ પર ફિટ કરેલા AC મશીનમાં સાપ કેવી રીતે પ્રવેશ્યા હશે? આ પ્રશ્ન કુતૂહલનો વિષય બન્યો છે, જોકે નિષ્ણાતો આ માટે ટેકનિકલ ખામીને જવાબદાર માને છે. ‘એક સાથે 3 સાપ એસીમાં જોયાની પહેલી ઘટના’ આ ઘટના વિશે વનસંરક્ષક અધિકારી ડો. બી સૂચિન્દ્રાનું કહેવું છે કે, આ પહેલા પણ આવી ઘટના ધ્યાનમાં આવી ચૂકી છે પણ તે કિસ્સમાં એકાદ સાપ હોય, પરંતુ એક સાથે 3 સાપ એસીમાં છૂપાઈ જવાની ઘટના પહેલીવાર જોવામાં આવી છે.આનું કારણ હાલ ઉનાળામાં પડી રહેલી ગરમી છે.સાપ ઠંડકની શોધમાં એસી યુનિટમાં ઘૂસી ગયા હશે. આપણે પર્યાવણના દ્રષ્ટિકોણથી વિચારીને આવા જીવજંતુને ઠંકક મળે તેવા બનતા પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને આવી ઘટના બહું ન બને. શું કરવું જોઈએ? વનસંરક્ષક અધિકારીનું કહેવું છે કે આ માટે ગુજરાત વનવિભાગ દ્વારા એક હેલ્પલાઈન નંબર 1320002000 અને બીજો નંબર 1926 આ બન્ને નંબર વન્યપ્રાણી હેલ્પલાઈન નંબર છે. આ નંબર પર મિસ્ડકોલ આપતાં જ તમને એસએમએસ મળશે. જેમાં તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ નજીકમાં નજીકનો એક વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂઅર છે તેમને એલર્ટ મળશે અને ત્યાર બાદ તે તમારો સંપર્ક કરશે, તમારા ઘરે આવશે અને તરત જ સાપનું રેસ્ક્યૂ કરીને વનવિભાગને હવાલે કરી દેશે નિષ્ણાતોની સલાહ: પાઇપ હોલ સીલ રાખો નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય રીતે ACના આઉટડોર યુનિટ અને ઇન્ડોર યુનિટને જોડતી પાઇપ માટે દીવાલમાં જે હોલ (કાણું) કરવામાં આવે છે, જો તે બરાબર પેક કે સીલ ન હોય તો સાપ ઠંડકની શોધમાં તે રસ્તેથી મશીનમાં પ્રવેશી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે ચોમાસા કે ગરમીની સિઝનમાં ACના ડ્રેનેજ પાઇપ અને દીવાલ વચ્ચેની જગ્યાને વ્યવસ્થિત રીતે 'સીલ' રાખવી જોઈએ, જેથી ઝેરી કે બિનઝેરી જીવજંતુઓ ઘરમાં પ્રવેશ ન કરી શકે. આ પણ વાંચો ભાણવડમાં વોશિંગ મશીનમાંથી ઝેરી કોબ્રા નીકળ્યો:ટેકનિશિયન અને રેસ્ક્યુઅરે સુરક્ષિત રીતે પકડ્યો આજથી લગભગ 18 દિવસ પહેલા ભાણવડના રણજીતપરા વિસ્તારમાં એક ઘરમાં વોશિંગ મશીનમાંથી ઝેરી કોબ્રા સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને પગલે ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સાપ મશીનના આંતરિક ભાગમાં છુપાયેલો હોવાથી, તેને બહાર કાઢવા માટે વોશિંગ મશીનના ટેકનિશિયનને બોલાવવામાં આવ્યા હતા. ટેકનિશિયને મશીનના સ્પેરપાર્ટ્સ ખોલ્યા હતા.એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે ટેકનિશિયન અજયભાઈ ખત્રીની મદદ લીધી હતી. તેમણે અત્યંત સાવધાનીપૂર્વક ફૂંફાડા મારતા કોબ્રા સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં આ ઝેરી સાપને બરડાના જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.(સંપૂર્ણ અહેવાલ વાંચો)
Read Original Article →