પારડીમાં પૂરઝડપે આવતી કારે મહિલાને ટક્કર મારી:માથામાં ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, અકસ્માત સર્જી ચાલક ફરાર
વલસાડ જિલ્લાના પારડીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ચીવલ રોડ પર મરીમાતા મંદિર નજીક કામ પરથી ઘરે પરત ફરી રહેલી એક મહિલાને કાર ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હનુમાન ડુંગરી, બાલદા રોડ, તળાવની પાળ ખાતે રહેતા યોગેશ ઝંડુભાઈ વાનખેડેની પત્ની સરિતાબેન યોગેશ વાનખેડે પારડી વિસ્તારમાં ઘરકામ કરે છે. યોગેશ ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 7 જૂનના રોજ રાત્રે લગભગ 10 વાગ્યાના સુમારે સરિતાબેન કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ચીવલ રોડ પર મરીમાતા મંદિર નજીક એક અજાણ્યા કારચાલકે બેફામ રીતે વાહન ચલાવી તેમને ટક્કર મારી હતી. આ ગંભીર ટક્કરને કારણે સરિતાબેનને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત સરિતાબેનને સારવાર અર્થે પારડીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં તેમના પતિ યોગેશભાઈ અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. ફરજ પરના તબીબોએ મહિલાને માથામાં ગંભીર ઈજા હોવાનું જણાવી સારવાર શરૂ કરી હતી. અંધારાને કારણે અકસ્માત સર્જનાર વાહન અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. ઈજાગ્રસ્ત મહિલા બેભાન અવસ્થામાં હોવાથી વાહનનો નંબર કે અન્ય વિગતો પણ જાણી શકાઈ નથી. જોકે, સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે યોગેશ ઝંડુભાઈ વાનખેડેએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર વાહન અને તેના ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →