પારડીના મોતીવાડામાં જમીન સંપાદન સામે રોષ:કોનકર કંપનીના પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો વિરોધ, કલેક્ટરને આવેદન
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (કોનકર) દ્વારા જમીન સંપાદન કરવાની હિલચાલ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ વલસાડ કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ આ પ્રોજેક્ટ અન્યત્ર ખસેડવાની માંગ કરી છે, કારણ કે તેનાથી ગામનું અસ્તિત્વ જોખમાવાની ભીતિ છે. મોતીવાડા ગામના અગ્રણી જિતેશભાઈ આહિરે જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસથી કોનકર કંપની દ્વારા જમીન સંપાદન માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સામે આવેલા નકશા મુજબ, ગામના અંદાજે ૭૦ થી ૮૦ જેટલા પાકા મકાનો, સરકારી આવાસ અને ગામની શાળા પણ આ પ્રોજેક્ટની ઝપેટમાં આવે તેમ છે. જો આ સંપાદન થાય તો અડધું ગામ નકશામાંથી સાફ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં ખેડૂતોએ રજૂઆત કરી છે કે અંદાજે 80 થી 90 એકર ફળદ્રુપ જમીન સંપાદિત થવાની શક્યતા છે. આના કારણે ૫૫ જેટલા ખેડૂત પરિવારોની ખેતીલાયક જમીન, 10 થી 15 કુવાઓ અને 80 જેટલા બોરવેલ પણ પ્રોજેક્ટમાં જશે, જેનાથી તેમની રોજગારી છીનવાઈ જવાનો ભય છે. આ ઉપરાંત, પર્યાવરણને પણ મોટું નુકસાન થવાની સંભાવના છે. અંદાજે ૫૦૦૦ થી વધુ ફળાઉ ઝાડ (જેમ કે આંબા, ચીકુ, નાળિયેરી) અને ૪૦૦૦ થી વધુ ઇમારતી લાકડાના વૃક્ષો કાપવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગ્રામ અગ્રણી જિતેશભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, "અગાઉ પણ ગામની જમીન રેલવે (DFCC) અને નેશનલ હાઈવેમાં ગઈ છે. હવે જો વધુ જમીન જશે તો ખેડૂતો ક્યાં જશે? અમે આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરીએ છીએ અને જરૂર પડે તો ભૂખ હડતાલ પર પણ ઉતરવા તૈયાર છીએ." ગ્રામજનોએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કલેક્ટરને રજૂઆત કરતા સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તંત્ર દ્વારા આશ્વાસન અપાયું છે કે ગ્રામજનોની લાગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે. જોકે, ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ પ્રોજેક્ટ અહીંથી રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Read Original Article →