એક કરોડ આદિવાસી ઉછેરશે 1 કરોડ વૃક્ષો:વિશ્વ પર્યાવરણ દિને પીપરોલથી રાજ્યવ્યાપી અભિયાન
વિશ્વભરમાં વધતા ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વરસાદ, પાણીની અછત, વધતી ગરમી અને કુદરતી આપત્તિ વચ્ચે ગુજરાતના આદિવાસી સમાજે પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો સંકલ્પ કર્યો છે. 1 કરોડ આદિવાસીઓ – 1 કરોડ વૃક્ષોના મહાઅભિયાનની શરૂઆત 5મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસથી ધરમપુરના પીપરોલ હિલ સ્ટેશનથી કરવામાં આવશે. સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગ્લોબલ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ શરૂ થનારા આ અભિયાનમાં ગુજરાતના 14 આદિવાસી જિલ્લાઓના લોકો જોડાશે. અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિ ઓછામાં ઓછું 1 વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેશે. આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ગામડાંઓમાં પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, પર્યાવરણ જાગૃતિ, જળ સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે પણ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. લોકો પોતાના ઘર આસપાસ, શેઢા-પાળે, શાળા-કોલેજો, જાહેર સ્થળો અને રસ્તાઓની બાજુએ વૃક્ષો ઉછેરશે. આયોજકોના જણાવ્યા અનુસાર આદિવાસી સમાજ પરંપરાગત રીતે જળ, જંગલ અને જમીનનો રક્ષક રહ્યો છે. કુદરત સાથેના આ ગાઢ સંબંધને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાશે. અભિયાન એક નજરે શા માટે જરૂરી બન્યું આ અભિયાન?
વિશ્વભરમાં વધી રહેલા તાપમાન, અનિયમિત ઋતુચક્ર, પાણીના ઘટતા સ્ત્રોતો અને વધતા પ્રદૂષણ સામે વૃક્ષો સૌથી અસરકારક કુદરતી રક્ષણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આદિવાસી સમાજ દ્વારા શરૂ કરાયેલું "1 Crore Trees Mission" માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ પહેલ બની શકે છે.
Read Original Article →