કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને 'અભણ' કહેતા વિવાદ:કેરળની રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- 'કેરળના લોકો સ્માર્ટ અને શિક્ષિત હોવાથી મોદી મૂર્ખ બનાવી શકતા નથી'

Gujarat4/5/2026, 6:35:00 PM
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને 'અભણ' કહેતા વિવાદ:કેરળની રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- 'કેરળના લોકો સ્માર્ટ અને શિક્ષિત હોવાથી મોદી મૂર્ખ બનાવી શકતા નથી'
કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા એક નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ખડગેએ પોતાના ભાષણમાં ટિપ્પણી કરી હતી કે, "મોદીજી તમે અભણ ગુજરાતીઓને મૂર્ખ બનાવી શકો, કેરળના લોકોને નહીં." આ નિવેદન સામે આવતા જ ભારતીય જનતા પાર્ટી આક્રમક બની છે અને કોંગ્રેસ પર 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે ખડગેના આ નિવેદને ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાનું વધુ એક મોટું હથિયાર આપી દીધું છે. ખડગેએ ગુજરાતીઓ વિશે શું કહ્યું હતું ? મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલે રવિવારે ઈડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન એક કથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને "અભણ" ગણાવ્યા હતા અને તેમના મતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને "મૂર્ખ" બનાવી રહ્યા છે. ખડગેએ કહ્યું હતું કે મોદી કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી, કારણ કે તેઓ "ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત" છે. ખડગેએ ગુજરાતીઓ વિશે કહ્યું હતું, "કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. મોદીજી, વિજયન - તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી." આ 6.5 કરોડ ગુજરાતીઓનું ઘોર અપમાન : ભાજપ ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે એક વીડિયો સંદેશ જાહેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતની જનતાને 'અભણ' કહીને સમગ્ર રાજ્યનું ઘોર અપમાન કર્યું છે. ધવલ પટેલે જણાવ્યું કે, “કોંગ્રેસના નેતાઓના મનમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે જે નફરત ભરેલી છે, તે ફરી એકવાર બહાર આવી છે. તેઓ એવું માને છે કે ગુજરાતીઓ અભણ છે અને એટલે જ વારંવાર ભાજપને મત આપે છે, જે રાજ્યની જનતાનું સીધું અપમાન છે.” ગુજરાતીઓનું અપમાન કરવાની કોંગ્રેસની જૂની પરંપરા : ધવલ પટેલ સાંસદ ધવલ પટેલે આ ઘટનાને કોંગ્રેસની માનસિકતા સાથે જોડતા આરોપ લગાવ્યો કે ગુજરાતીઓનું અપમાન કરવાની કોંગ્રેસની જૂની પરંપરા રહી છે. તેમણે કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો હવાલો આપતા નીચે મુજબના દાવા કર્યા હતા કે જવાહરલાલ નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલને દેશના વડાપ્રધાન બનતા અટકાવ્યા હતા. ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને તેમના પદ પરથી હટાવ્યા હતા. અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આસામમાં તમામ ગુજરાતીઓને 'કૌભાંડી' કહ્યા હતા. આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે- મુખ્યમંત્રી આ સમગ્ર મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પણ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલું નિવેદન અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રકારની ટિપ્પણી માત્ર 6 કરોડ ગુજરાતીઓનું અપમાન જ નહીં, પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વ્યક્તિઓની પવિત્ર ધરતીની ગૌરવને પણ ઠેસ પહોંચાડે છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને આગળ પણ ભજવશે. આવા નિવેદનો કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળતા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ અસ્વસ્થ અનુભવે છે. ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે અને આવનારા સમયમાં કેરળ ની જનતા પણ કોંગ્રેસને નકારી દેશે.” આ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો- જગદીશ વિશ્વકર્મા આ મુદ્દે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ પણ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “ખડગેનું નિવેદન માત્ર ગુજરાતીઓ નહીં પરંતુ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો છે. ગુજરાતના લોકો મહેનતુ, ઉદ્યોગસાહસિક અને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા વારંવાર થતા આવા નિવેદનો તેમની જનવિમુખતા દર્શાવે છે.” ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસને માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, કારણ કે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધુ તેજ બન્યો છે. ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસ પાસે માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ વધુ તેજ બની છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને સીધો સવાલ આ વિવાદમાં ધવલ પટેલે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અમિત ચાવડા અને તુષાર ચૌધરીને પણ ઘેર્યા છે. તેમણે આ બંને નેતાઓને સીધો સવાલ કર્યો છે કે, "જ્યારે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતીઓને અપમાનિત કરે છે, ત્યારે તમે કેમ મૌન છો?" તેમણે વધુમાં પૂછ્યું કે સ્થાનિક નેતાઓ ગુજરાતની જનતાની પડખે છે કે ગુજરાતીઓનું અપમાન કરનાર કોંગ્રેસ નેતૃત્વની સાથે? ધવલ પટેલે એવી પણ ચેતવણી આપી છે કે જો ગુજરાત કોંગ્રેસ આ નિવેદનનો જાહેરમાં વિરોધ નહીં કરે, તો એ સાબિત થઈ જશે કે તેઓ પણ ગુજરાતીઓ પ્રત્યે નફરતની ભાવના રાખે છે.
Read Original Article →