રૂંવાડા ઊભા કરી દેતો અકસ્માત CCTVમાં કેદ:વલસાડમાં કારની ટક્કરે બાઇકસવાર હવામાં ફંગોળાયો; આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરવો ભારે પડ્યો
વલસાડ તાલુકાના કલવાડા ચોકડી પાસે એક રૂંવાડા ઊભા કરી દે તેવી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જતી કાર સામે અચાનક બાઇક આવી જતાં સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં બાઇકચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બાઇકચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે જોઈ શકાય છે. અચાનક રસ્તો ક્રોસ કરવા જતાં સર્જાયો અકસ્માત મળતી માહિતી મુજબ, 24 મેના સાંજે 4:30 વાગ્યાની આસપાસ એક કાર પોતાના નિયમિત ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન કલવાડા ચોકડી પાસે એક બાઇકચાલકે આજુબાજુ જોયા વગર કે સામેથી આવતા વાહનની ગતિનો અંદાજ મેળવ્યા વગર અચાનક જ રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાઇકચાલક આડો આવી જતાં કારચાલક બ્રેક મારે તે પહેલા જ બંને વાહન વચ્ચે ધડાકાભેર જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે, બાઇકચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ બચાવ કામગીરી કરી, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રસ્તેથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા ઇજાગ્રસ્ત બાઇકચાલકને સ્થાનિકોએ બચાવ્યો હતો અને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસકાફલો ઘટનાસ્થળે દોડ્યો ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતના કારણે રોડ પર જામ થયેલા ટ્રાફિકને હળવો કરાવીને વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો અને ઘટના અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી પોલીસના જણાવ્યા અનુસાર, આ ગમખ્વાર અકસ્માત અંગે હજુ સુધી પોલીસમથકે કોઈ સત્તાવાર ગુનો કે ફરિયાદ નોંધાઈ નથી. ઇજાગ્રસ્ત બાઇકચાલક, કારચાલક કે તેમના પરિવારના સભ્યો દ્વારા વલસાડ રૂરલ પોલીસમથકે કોઈ લેખિત નોંધ કરાવવામાં આવી નથી. જોકે, પોલીસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તેના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ---- આ પણ વાંચો ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી, સાસુ-વહુનાં મોત પવિત્ર પુરષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક સ્થળોના દર્શને નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આજ (25 મે)ની વહેલી સવાર કાળમુખી સાબિત થઈ છે. ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલટી મારી જતાં કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… સૌરાષ્ટ્રમાં 2 એક્સિડન્ટમાં 5ના મોત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક 23 મેની રાત્રે એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અલ્ટો કારનો બુકડો બોલી ગયો હતો. જસદણ નજીક એક્સિડન્ટમાં 2 પિતરાઈ ભાઈના મોત જસદણ પંથકમાં કાર અને બોલેરો વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… 2 કાર સામસામે અથડાતાં ભયાનક અકસ્માત, માતાની નજર સામે જ પિતા-પુત્રના મોત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા રોડ પર 18 મેના રોજ રાત્રિના આશરે 11:00 વાગ્યાની આસપાસ એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી સુરત પાસિંગની કારે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારતાં મધ્યપ્રદેશના એક જ પરિવારના પિતા અને સગા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકની પત્ની (માતા) અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોતાની નજર સામે જ પતિ અને પુત્રને દમ તોડતા જોઈ માતા પર આભ તૂટી પડ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ…
Read Original Article →