વિશ્વ પર્યાવરણ દિવસ:દીકરી જન્મની ખુશીમાં પારનેરા ડુંગર પર માતાજીના મંદિરે વૃક્ષ રોપી વૃક્ષારોપણનો સંકલ્પ
પારનેરા તળેટીના ડુંગરવાડી ગામના 70 વર્ષીય રતિલાલ લલ્લુભાઈ પટેલનો 15 વર્ષથી ડુંગરને લીલોછમ રાખવાનો જીવન સંકલ્પ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે પ્રેરણાની ઝાંખી કરાવી જાય છે. આ વડીલના ભત્રીજા દર્શન પટેલને ત્યાં દીકરીનો જન્મ થયો ત્યારે તેની ખુશીમાં પારનેરા ડુંગર પર મહાકાળી માતા અને ચામુંડા માતાના મંદિર પાસે બે વૃક્ષ રોપ્યા હતા. વૃક્ષારોપણ બાદ તેના જતન માટે આ વડીલ સતત 15 વર્ષથી ભેખધારી બની ગયા છે. આ અભિયાનથી પંકાયેલા રતિલાલ કાકાને ‘‘ટ્રી મેન’’ તરીકેના હુલામણા નામથી બોલાવે છે. દિવસ હોય કે રાત, તડકો હોય કે ઠંડી તેની પરવા કર્યા વિના પાણીની બોટલો ઉંચકીને સવાર -સાંજ બે વાર પારનેરા ડુંગર ચઢી નિરંતર વૃક્ષોને પાણી આપી રહ્યા છે. આ સાથે રખડતા ઢોર કે ભૂંડ વૃક્ષોને નુકશાન ન કરે તે માટે દાતાઓ પાસેથી નેટ લાવી વૃક્ષની ફરતે સુરક્ષા કોર્ડન પણ કરે છે. આ સિવાય ઘણા વૃક્ષના બીજ તેઓ ફોરેસ્ટ વિભાગ અને અતુલ કંપની પાસેથી મેળવી તેને રોપી મોટા ન થાય ત્યાં સુધી સંતાનની જેમ ઉછેર પણ કરે છે. પર્યાવરણ જ સમસ્યાનો ઉકેલ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રતિલાલ પટેલ કહે છે કે, વૃક્ષોનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટી રહ્યું છે, તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે.આવનારી પેઢીને બચાવવું હોય તો વૃક્ષારોપણ એકમાત્ર વિકલ્પ છે.તમારા પરિવારમાં તમારા પ્રિયજનોનો જન્મ દિવસ હોય કે લગ્નની વર્ષગાંઠ હોય કે અન્ય કોઈ ખુશીના પ્રસંગ હોય ત્યારે તે ઉજવણીને યાદગાર બનાવવા માટે વર્ષે દહાડે માત્ર એક વૃક્ષ રોપો અને તેનો ઉછેર પણ કરો તો જ આપણે આપણી ભાવિ પેઢીને લીલોછમ વારસો ભેટમાં આપી શકીશું.
Read Original Article →