‘વસ્તી ગણતરી-2027’ માટે ઘરે બેઠા કરવાની સુવિધા શરૂ:IDથી દરેકે સ્વગણતરી પ્રક્રિયામાં જોડાવવા કલેક્ટરનો અનુરોધ
17 મેથી 31 મે 2026 સુધી se.census.gov.in પોર્ટલ ઉપર હવે મોબાઈલથી પણ નોંધાવી શકાશે ભારત સરકાર દ્વારા આગામી સમયમાં ‘વસ્તી ગણતરી- 2027’ હાથ ધરવામાં આવનાર છે. તેના પ્રથમ તબક્કા રૂપે ગુજરાત રાજ્યમાં તા. 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરી હાથ ધરાશે. આ પ્રક્રિયાને વધુ સરળ અને સુવિધાજનક બનાવવા માટે સરકાર દ્વારા તા. 17 મેથી 31 મે, 2026 સુધી ‘સ્વ-ગણતરી (Self- Enumeration)’ ની ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. આ માટે ભારત સરકાર દ્વારા se.census.gov.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જિલ્લાવાસીઓને આ ઓનલાઈન સ્વ-ગણતરી પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, જનગણના માત્ર આંકડાકીય પ્રક્રિયા નથી, પરંતુ દેશના વિકાસ અને જનહિતલક્ષી યોજનાઓના આયોજન માટેનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ‘જનગણના-2027’ અંતર્ગત ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયાની સત્તાવાર શરૂઆત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી છે. તા. 17 મેથી 31 મે, 2026 દરમિયાન દિવસના 24 કલાકમાં ગમે ત્યારે રાજ્યના કોઈપણ ખૂણેથી નાગરિકો પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી se.census.gov.in પોર્ટલ પર જઈ પોતાની તથા પોતાના પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. નાગરિકોએ આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાના રહેતા નથી. સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક વિશિષ્ટ ‘SE ID’ જનરેટ થશે, જે નોંધાયેલ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ ‘SE ID’ ભવિષ્યમાં સત્તાવાર ગણતરીદાર ઘરે મુલાકાતે આવે ત્યારે દર્શાવવાનો રહેશે. કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું કે, દરેક પરિવારે આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બની સાચી અને સચોટ માહિતી આપવી જોઈએ, જેથી ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સૌનું યોગદાન સુનિશ્ચિત બની શકે. ઓનલાઇન વસ્તી ગણતરીમાં તમામ વિગતો ભર્યા બાદ 11 નંબરનો એક આઇડી જનરેટ થશે. જે વસ્તી ગણતરી કરનાર કર્મીને બતાવવાનો રહેશે.
Read Original Article →