વરણી:વલસાડ જિ.પં.ના 50 વર્ષના ઇતિહાસમાં પાંચ મહિલા પ્રમુખમાં હેતલ પટેલ સૌથી વધુ શિક્ષિત

Gujarat5/26/2026, 12:00:00 AM
વરણી:વલસાડ જિ.પં.ના 50 વર્ષના ઇતિહાસમાં પાંચ મહિલા પ્રમુખમાં હેતલ પટેલ સૌથી વધુ શિક્ષિત
વલસાડ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ પદે કોસંબા બેઠકના સભ્ય હેતલ પટેલ સૌથી હોટ ફેવરીટ હોવાના બ્રેકિંગ ન્યૂઝ દિવ્ય ભાસ્કરે 29 એપ્રિલ 2026ના રોજ પ્રસિધ્ધ કર્યા હતા. તે મુજબ 25 મે 2026ના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે બોલાવવામાં આવેલી સભામાં પ્રમુખપદે વલસાડ કોસંબા બેઠકના SEBC વર્ગના મહિલા સભ્ય હેતલ પટેલની બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલે હોમસાયન્સના માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેઓ હાલ વલસાડ આર્ટ્સ કોલેજમાં કાર્યરત છે. વલસાડ મેડિકલ કોલેજના નર્સિંગ હોલમાં સોમવારે બપોરે ચૂંટણી અધિકારી- ડીડીઓ અતિરાગ ચપલોતના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પ્રમુખપદનો હોદ્દો રોટેશન મુજબ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના મહિલા માટે અનામત હતો. જેના માટે પ્રદેશ ભાજપના મેન્ડેટ મુજબ હેતલ જિતેશ પટેલને પ્રમુખપદે અને ઉપપ્રમુખપદે ઉમરગામના શૈલેષ પટેલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. નવા વરાયેલા જિલ્લા પ્રમુખ સાથે વાત સવાલ-વિકાસના કયા કામો કરવામાં આવશે ? પ્રમુખ: જે કામો વધારે પ્રાધાન્ય ધરાવે છે તેના પર પ્રથમ ભાર મૂકાશે. સવાલ-કેવા પ્રકારની સિસ્ટમ સાથે કામ કરશો ? પ્રમુખ : સૌનો સાથ, સૌના વિકાસના સંકલ્પ સાથે સૌ મળીને કામો કરીશું સવાલ-દરિયાઇ કિનારાના વિસ્તારોમાં પ્રશ્નો છે તે માટે શું કરીશ? પ્રમુખ : જિલ્લા સહિત કોસંબા કિનારા ધોવાણ, નવા રસ્તાના પ્રશ્નો, મુશ્કેલીને ધ્યાને લેવાશે સવાલ-આગામી વિધાનસભાની ચૂંટણી માટે દાવેદારી કે કોઇ તૈયારી ? પ્રમુખ: આ માટે હજી વિચાર્યું નથી. પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપ સંગઠનના આદેશ મુજબ જ પાલન કરીશું. કાંઠામાં પાણીના ભરાવાની સમસ્યા પડકારજનક ઉમરગામ તાલુકાના પ્રજ્ઞેશ પટેલે કારોબારી અધ્યક્ષ તરીકે નિમાયા બાદ કહ્યું કે, જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓ સાથે સંકલનમાં રહીને કામોને પ્રાધાન્ય આપીશું. જિલ્લા પંચાયતના તમામ સભ્યો સાથે મળીને વિકાસના કામોને વેગવંતા કરીશું. ચોમાસામાં દરિયા કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પર ભાર મૂકાશે. આ પ્રકારે જ્યાં પાણી પ્રવેશવાની સમસ્યા છે ત્યાં નિકાલના પ્રયત્નો કરવામાં આવશે.
Read Original Article →