ધર્માંતરણ આક્ષેપ સાથે 10 જૂને દહાણું બંધ:ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર હિન્દુ સંગઠનો મેદાને; મહારાષ્ટ્રમાં પણ ગુજરાત જેવો કડક કાયદો લાવવા માંગ
ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના સરહદી વિસ્તારોમાં હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ બાદ નિકાહ કરાવવાના ગંભીર આક્ષેપોને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કથિત નેટવર્કનો પર્દાફાશ કરવા અને વિરોધ નોંધાવવા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આવતીકાલે એટલે કે 10 જૂનના રોજ દહાણું, બોરડી, ગોલવડ અને સામટાન સહિતના વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સ્થાનિક અગ્રણીઓ અને સંગઠનો આ મામલે કડક વલણ અપનાવી પ્રશાસન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બોરડીની 22 વર્ષીય યુવતીના નિકાહથી વિવાદ વકર્યો
આ સમગ્ર વિવાદની શરૂઆત તાજેતરમાં દહાણું તાલુકાના બોરડી વિસ્તારમાં બનેલી એક ઘટનાથી થઈ છે. અહીં રહેતી એક 22 વર્ષીય યુવતી ઘરેથી નોકરીના ઇન્ટરવ્યૂ માટે નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગઈ હતી અને પરિવાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. થોડા સમય બાદ યુવતીએ પોતે જ પરિવારને ફોન કરીને માહિતી આપી હતી કે તેણે સંજાણ વિસ્તારના એક મુસ્લિમ યુવક સાથે રીતરિવાજ મુજબ નિકાહ કરી લીધા છે. દીકરીના આ અચાનક પગલાંથી આઘાતમાં સરેલા પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવતી પોતાની સાથે ઘરેથી મોટી રકમની રોકડ પણ લઈ ગઈ હોવાનો આક્ષેપ કરાયો છે.
સોશિયલ મીડિયા પર ફેક આઈડીથી શિકાર કરવાનો આક્ષેપ
આ ઘટના સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સ્થાનિક સંગઠનોએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે. સંગઠનોના હોદ્દેદારો પિયુષ શાહ અને અંકિત શાહે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, સરહદી વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ અને ફેક પ્રોફાઈલ બનાવીને હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા દ્વારા પ્રારંભિક મિત્રતા કેળવ્યા બાદ યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવવામાં આવે છે અને ત્યાર પછી દબાણપૂર્વક ધર્માંતરણ કરાવી નિકાહ પઢાવવામાં આવે છે. આવા કિસ્સાઓ છેલ્લા કેટલાક સમયથી ચિંતાજનક રીતે વધ્યા હોવાનો દાવો પણ કરાયો છે.
ગુજરાતના કડક કાયદાથી બચવા મહારાષ્ટ્ર બોર્ડરનો આશ્રય
સ્થાનિક અગ્રણીઓના મતે આ આખું નેટવર્ક ખૂબ જ ચાલાકીપૂર્વક સરહદી ભૂગોળનો લાભ લઈ રહ્યું છે. ગુજરાતમાં ધર્માંતરણ અને આંતરધર્મીય લગ્નો અંગેના કાયદા અત્યંત કડક હોવાથી, કાયદાકીય સકંજાથી બચવા માટે કેટલાક તત્વો મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોનો આશ્રય લઈ રહ્યા છે. હાલમાં સંજાણ, ઉમરગામ અને તેની આસપાસના સરહદી ગામો આ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર બન્યા હોવાની વ્યાપક ચર્ચા છે, જોકે આ બાબતે પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
મહારાષ્ટ્રમાં પણ ગુજરાત જેવો જ એન્ટી-કન્વર્ઝન કાયદો લાવવા માંગ
આ પરિસ્થિતિને જોતા આંદોલનકારીઓએ હવે મહારાષ્ટ્ર સરકાર સામે પણ મોરચો માંડ્યો છે. હિન્દુ સંગઠનોની માંગ છે કે કાયદાકીય છટકબારીઓ રોકવા માટે મહારાષ્ટ્રમાં પણ ગુજરાતની તર્જ પર ધર્માંતરણ વિરોધી કડક કાયદો તાત્કાલિક અસરથી લાવવામાં આવે. આ સાથે જ સંગઠનોએ વાલીઓને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના સંતાનોના મિત્રવર્તુળ અને તેમની ઓનલાઈન ડિજિટલ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખે અને સતર્ક રહે. દહાણું બંધના એલાનને પગલે પોલીસ એલર્ટ મોડ પર
10 જૂને જાહેર કરાયેલા દહાણું બંધના એલાનને પગલે સ્થાનિક વેપારીઓ અને જનતાનો કેવો પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર છે. હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે દીકરીઓની સુરક્ષાના ભોગે હવે કોઈ પણ પ્રકારનું મૌન સાંખી લેવામાં નહીં આવે. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે સ્થાનિક પોલીસ અને પ્રશાસન પણ સજ્જ બન્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે.
Read Original Article →