રાજ્યપાલે દેહરીમાં વૃક્ષારોપણ કર્યું, પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો:એક એકરમાં 10 હજાર રોપા વાવવાનો સંકલ્પ, સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકાના દેહરી ગામે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો અને સ્થાનિક તંત્ર દ્વારા એક એકર વિસ્તારમાં 10 હજાર વૃક્ષોના રોપા વાવવાનો સંકલ્પ લેવાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગામની દીકરીઓ દ્વારા લેવાયેલા વૃક્ષ જતનના સંકલ્પને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આજે વાવવામાં આવતા વૃક્ષો આગામી ત્રણ વર્ષમાં ઓક્સિજનની માત્રામાં વધારો કરશે, પક્ષીઓને આશ્રય આપશે અને લોકોને છાંયડો પ્રદાન કરશે. તેમણે વૃક્ષોને ‘દેવતા’ સમાન ગણાવી વૃક્ષારોપણ અને તેનું જતન કરવું એ ઈશ્વરીય તથા પવિત્ર કાર્ય હોવાનું જણાવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગના વધતા ખતરાનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પર્યાવરણ સામેના પડકારોનો સૌથી અસરકારક ઉપાય વધુમાં વધુ વૃક્ષારોપણ અને તેનું સંરક્ષણ છે. તેમણે ગ્રામજનોને અપીલ કરી કે જેમ વડીલોએ વાવેલા વૃક્ષોનો લાભ આપણે લઈ રહ્યા છીએ, તેમ ભાવિ પેઢી માટે વૃક્ષો વાવી તેનું જતન કરવું આપણી ફરજ છે. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગામમાં સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો હતો. તેમણે જાતે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો અને સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું હતું. આ સફાઈ અભિયાન દરમિયાન તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. સ્વચ્છતા જાળવવી એ પુણ્યનું કાર્ય છે અને તેનાથી સમાજનું આરોગ્ય પણ સારું રહે છે. તેમણે ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત બનવા અને અન્ય લોકોને પણ પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચેપલોત સહિત જિલ્લાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →