સ્થાનિકોમાં નારાજગી:ધરમપુરના બિલપુડી ધોધ નીચે પર્યટકોની ખોવાયેલી કિંમતી વસ્તુ શોધવી ભારે પડી

Gujarat4/8/2026, 12:00:00 AM
સ્થાનિકોમાં નારાજગી:ધરમપુરના બિલપુડી ધોધ નીચે પર્યટકોની ખોવાયેલી કિંમતી વસ્તુ શોધવી ભારે પડી
ધરમપુરના કુદરતી સૌંદર્ય અને આસ્થાના કેન્દ્ર સમાન બિલપુડીના સોના જળ માવલીમાતા ધોધ પાસે શંકાસ્પદ રીતે ખોદકામ કરી રહેલા મહારાષ્ટ્રના પાંચ તથા ગાડીનો ચાલક મળી છ શખ્સોને સ્થાનિકોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. માવલી માતાના પવિત્ર સ્થાનક નજીક આ પ્રવૃત્તિને પગલે સ્થાનિકોમાં નારાજગી ઉઠી હતી. બિલપુડી ગામના સોના જળ માવલીમાતા ધોધ નજીકના પૂજા કરેલા પથ્થરો કાઢી કેટલાક અજાણ્યા ઈસમો ખોદકામ કરી રહ્યા હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. ગામના અગ્રણી પ્રમોદ ગાંવિત તથા અન્ય ગ્રામજનોએ સતર્કતા દાખવી તાત્કાલિક ડુંગરી પર પહોંચી આ શખ્સોને ઘેરી લીધા હતા. અને તેમને પકડીને પંચાયત કચેરી ખાતે લાવ્યા હતા. ગ્રામજનોની પૂછપરછમાં આ શખ્સોએ વિચિત્ર ખુલાસો કરી જણાવ્યું હતું કે ચોમાસામાં અહીં પ્રવાસીઓ નહાવા અને આનંદ માણવા આવે છે. ત્યારે તેમના પૈસા કે અન્ય કોઇ વસ્તુઓ પાણીમાં પડી જતી હોય છે. તેઓ આ ખોવાયેલી વસ્તુઓ શોઘીને લઇ જવા આવ્યા હતા. ગામની પરવાનગી વગર પવિત્ર અને કુદરતી સ્થળ પર ખોદકામ કરવા બદલ ગ્રામજનોએ આ શખ્સોને આડે હાથે લીધા હતા. અંતે પોતાની ભૂલ સમજાતા તેઓએ ભૂલ સ્વીકારી માફી માંગી હતી. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે દર્શન માટે આવવું પણ આવા પ્રયાસ અહીં કરવા નહિ. ઘટનાની જાણ થતા જ 112 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી શંકાસ્પદ રીતે ફરતા આ તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસએ તમામ શખ્સો તથા તેમના વાહનમાં કરેલી તપાસમાં હાલ ધોધમાં બંધ થયેલા પાણીને લઇ ફરવા આવતા પર્યટકોના પડી જતા પૈસા, પાકીટ તેમજ કિંમતી ચીજવસ્તુ શોધવાના ઈરાદે આવ્યા હોવાનું જણાયું હતું.
Read Original Article →