ઇમિટેશન જ્વેલરીના ઓર્ડર સામે કચરાની ડિલિવરી:વેબસાઇટ બનાવી 3500 ગ્રાહકો સાથે ₹38 લાખની છેતરપિંડી કરી; બે સગી બહેનો સહિત ચાર આરોપીઓની ધરપકડ
વલસાડ જિલ્લાની ડુંગરા પોલીસે એક એવી હાઇટેક અને ઉચ્ચ શિક્ષિત ટોળકીને ઝડપી પાડી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. ડુંગરા પોલીસે ઇમિટેશન જ્વેલરીના નામે ગ્રાહકોને પાર્સલમાં કચરો અને રદ્દી મોકલી લાખો રૂપિયાની ઠગાઈ આચરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે સગી બહેનો અને બે યુવકની ધરપકડ કરી છે. આ ટોળકીના તમામ સભ્યો BCA અને MCA જેવી ઉચ્ચ ટેકનિકલ ડિગ્રીઓ ધરાવે છે. આરોપીઓની વિગત
અંજલી રવીન્દ્ર તેજબહાદુર સિંગ - રહે. રાજસફાયર એપાર્ટમેન્ટ, છરવાડા ગામ, વાપી
આકાંશા રવીન્દ્ર તેજબહાદુર સિંગ - રહે. રાજસફાયર એપાર્ટમેન્ટ, છરવાડા ગામ, વાપી
રણજીત રામવિજય સુમિરન યાદવ - રહે. ડુંગરા ગામ, વાપી
આકાશ સત્યેન્દ્ર સુરજ સિંહ - રહે. છીરી ગામ, વાપી
'સ્તુતિમંત્ર ડૉટકોમ' નામે નકલી સામ્રાજ્ય
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ શિક્ષિત ઠગોએ ગ્રાહકોને ફસાવવા માટે 'સ્તુતિમંત્ર ડૉટકોમ' નામની એક આકર્ષક પરંતુ નકલી ઇ-કોમર્સ વેબસાઇટ બનાવી હતી. આ વેબસાઇટના માધ્યમથી તેઓએ દેશભરના અંદાજે 3500થી વધુ નિર્દોષ ગ્રાહકોને પોતાનો શિકાર બનાવ્યા હતા અને અંદાજે 38 લાખથી વધુની રકમનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મેળવી છેતરપિંડી આચરી હતી. ગ્રાહકો જ્યારે આ વેબસાઇટ પર જઈને સુંદર ઇમિટેશન જ્વેલરીનો ઓર્ડર આપતા, ત્યારે તેમને અસલી ઘરેણાના બદલે પાર્સલમાં કપડાના ટુકડા, રદ્દી કાગળો અને નકામો કચરો મોકલી આપવામાં આવતો હતો. કાયદેસરના વેપારથી ગુનાખોરીના 'શોર્ટકટ' સુધીની સફર
આ ગુનાહિત નેટવર્કની શરૂઆતની કહાની ખૂબ જ ચોંકાવનારી છે. શરૂઆતના તબક્કામાં આ ચારેય આરોપીઓ એમેઝોન જેવા દેશના પ્રતિષ્ઠિત અને અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા ઇમિટેશન જ્વેલરીનો કાયદેસરનો વેપાર કરતા હતા. આ દરમિયાન તેઓને ઓનલાઇન માર્કેટની બારીકાઈઓ, કુરિયર સિસ્ટમ અને ગ્રાહકોની માનસિકતાનો પૂરેપૂરો અંદાજ આવી ગયો હતો. પરંતુ ટૂંકા સમયમાં અને કોઈપણ મહેનત વગર અઢળક કમાણી કરી લેવાની લાલચમાં આવીને આ ઉચ્ચ શિક્ષિત યુવાનોએ કાયદાનો માર્ગ છોડી ગુનાખોરીનો શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું. આરોપીઓએ લાલચમાં આવીને પોતાની જ અલગ વેબસાઇટ ઊભી કરી દીધી. શરૂઆતના દિવસોમાં માર્કેટમાં અને ગ્રાહકોમાં વિશ્વાસ ઊભો કરવા માટે તેઓ ઓર્ડર મુજબ સાચી અને સારી ગુણવત્તાવાળી જ્વેલરી જ મોકલતા હતા. આના કારણે તેમની વેબસાઇટ પર ઓર્ડરનો ગ્રાફ ઝડપથી વધવા લાગ્યો હતો. પરંતુ, જેમ જેમ ઓર્ડરની સંખ્યા વધતી ગઈ અને તેમની પાસે ઓરિજિનલ માલ ખૂટી પડ્યો, તેમ તેમ તેઓએ ગ્રાહકોને છેતરવાનો અસલી ખેલ શરૂ કર્યો. તેઓ ઓર્ડર કરનાર ગ્રાહકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ મેળવી લેતા હતા, પરંતુ બોક્સની અંદર માત્ર વેસ્ટ સામાન પેક કરીને રવાના કરી દેતા હતા. બાતમીના આધારે દરોડો અને પર્દાફાશ
વાપીના છીરી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં જ્યારે પોલીસે ચોક્કસ બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ગોડાઉનમાંથી ગ્રાહકોને કુરિયર મારફતે મોકલવા માટે તૈયાર રાખવામાં આવેલા કુલ 401 જેટલા પેક બોક્સ મળી આવ્યા હતા. પોલીસે જ્યારે આ શંકાસ્પદ બોક્સ ખોલાવીને તપાસ કરી, તો તેમાંથી મોંઘી જ્વેલરીના બદલે કાપડના ચિથરા અને નકામી કચરા જેવી ચીજવસ્તુઓ મળી આવી હતી. સ્થળ પરથી પોલીસે કમ્પ્યુટર હાર્ડવેર, લેપટોપ અને છેતરપિંડીના અન્ય સાહિત્ય સાથે ચારેય આરોપીઓની રંગેહાથ ધરપકડ કરી લીધી હતી. ગ્રાહકોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો
આ સમગ્ર કૌભાંડમાં સૌથી ચાવીરૂપ બાબત એ હતી કે આરોપીઓ ગ્રાહકોની માનસિકતા સાથે રમત રમતા હતા. તેઓ વેબસાઇટ પર જ્વેલરીની કિંમતો ખૂબ જ ઓછી એટલે કે રૂ. 500થી રૂ.1000 સુધીની રાખતા હતા, જેથી સામાન્ય ગ્રાહકો આસાનીથી લલચાઈ જાય. સરેરાશ નાની રકમના ઓર્ડર હોવાથી, છેતરાયા બાદ પણ મોટાભાગના ગ્રાહકો કાનૂની ઝંઝટ કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાથી બચવા માટે થઈને કોઈ ફરિયાદ કરતા ન હતા. ગ્રાહકોની આ જ ઉદાસીનતાનો ફાયદો ઉઠાવીને આ ગેંગ લાખો રૂપિયા સબડકાવી ગઈ હતી. જોકે, ડુંગરા પોલીસે પ્રોએક્ટિવ (સક્રિય) અભિગમ અપનાવી જાતે જ આ ગુનાની ગંભીરતા નોંધી સરકાર તરફથી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે સગી બહેનો સહિત ચાર આરોપીઓની ધરપકડ
વાપી DySP બી. એન. દવેએ જણાવ્યું કે આરોપીઓની તપાસમાં જે ડેટા મળ્યા છે એના ઉપરથી જાણવા મળેલ છે કે અત્યાર સુધીમાં આ લોકોએ 3500થી વધારે ગ્રાહકોના ઓર્ડર મેળવેલા છે, અને કુલ 38 લાખથી વધારે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું છે. મોટાભાગની ઇમિટેશન જે જ્વેલરી છે એની જે જાહેરાત આ લોકો આપતા હતા એની નજીવી કિંમત 1000 રૂપિયા,500 રૂપિયા આવી કિંમતો હતી. જેથી ગ્રાહકો લલચાઈ જતા હતા અને 1000 રૂપિયાની કિંમતનો ઓર્ડર આપી દેતા હતા. અને જ્યારે ગ્રાહકો છેતરાતા હતા ત્યારે આવી નાની રકમના કારણે કોઈ ગ્રાહકો જલ્દીથી ફરિયાદ કરતા ન હતા. પરંતુ આ બાબત જ્યારે ડુંગરા પોલીસના ધ્યાને આવી ત્યારે ડુંગરા પોલીસે પ્રોએક્ટિવ બની અને આ જગ્યાએ રેડ કરેલી છે, અને સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી છે અને ચારેય આરોપીઓની ધરપકડ કરેલી છે. આરોપીઓ હાલ રિમાન્ડ પર છે.
Read Original Article →