ભાસ્કર એનાલિસિસ:વલસાડ જિલ્લામાં બાઇકને 250 અને કારમાં 500 રૂપિયાનું જ પેટ્રોલ-ડીઝલ અપાતા ચાલકો હેરાન
ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ઘણા પંપ તો પેટ્રોલ-ડીઝલની અછતને લઇ બંધ હાલતમાં દેખાઇ રહ્યા છે. તો પારડીમાં સંચાલકોએ બાઇકને રૂ. 200 તો કારને 500ના જ પેટ્રોલ ડીઝલ આપવાનું શરૂ કરતા ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને લઇ પીએમ મોદીએ જાહેરમાં પેટ્રોલ, ડીઝલ ઓછા વાપરવા તેમજ શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ માટે આગાહી કરી હતી. આ સાથે સોનું ન ખરીદવા પણ જણાવ્યું હતું. તેની સીધી અસર વલસાડ જિલ્લામાં દેખાઇ રહી છે. પેટ્રોલ-ડીઝલ નહીં મળશે તે સમજીને લોકોની લાંબી લાઇન જિલ્લાના પેટ્રોલ પંપો પર દેખાઇ રહી છે. બુધવારે વલસાડ જિલ્લાના વાપી, પારડી સહિત નાનાપોંઢા અને ધરમપુર વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો લાગી હતી. પેટ્રોલનો પૂરતો જથ્થો સમયસર ન પહોંચતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહી પેટ્રોલ ભરાવવા રાહ જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લામાં કુલ 132 પંપ વલસાડ જિલ્લામાં આઇઓસીના 43, બીપીના 40 અને નાયરાના 12 પેટ્રોલ પંપ કાર્યરત છે. જ્યારે એચપીના 37 પંપ લઇને કુલ 132 પેટ્રોલ પંપ આવેલા છે. હાલ 132માંથી 10 ટકા પંપના સંચાલકો પાસે પેટ્રોલ કે ડીઝલ ન હોવાથી બંધ રાખવાની નોબત આવી છે. ગ્રાહકો બંધ પંપને જોઇને પણ પેનિક થઇ રહ્યા છે અને જ્યાં પંપ ચાલુ છે ત્યાં ગ્રાહકોનો ધસારો વધી રહ્યો છે. પારડીમાં સંચાલકોએ મર્યાદા નક્કી કરી ભીડને નિયંત્રિત કરવા અને વધુમાં વધુ લોકોને ઈંધણ મળી રહે તે માટે પંપ સંચાલકોએ જાતે જ મર્યાદા નક્કી કરી દીધી છે. પારડીમાં દ્વિચક્રી વાહનોને માત્ર ₹200 થી ₹250 અને ફોર-વ્હીલરને ₹500 થી ₹1000 નું જ પેટ્રોલ- ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ અચાનક આવેલી આફતને કારણે નોકરિયાત વર્ગ અને રોજિંદા મજૂરીએ જતા લોકો ભારે મુસીબતમાં મુકાયા છે. હજી પણ આજ સ્થિતિ રહેશે.
Read Original Article →