સંઘ પ્રદેશમાં દારૂ ખૂટતાં ‘ડ્રાય સ્ટેટ’ જેવી સ્થિતિ:દીવ-દમણમાં બાર, રેસ્ટોરાં અને વાઈન શોપ્સમાં દારૂનો સ્ટોક ખલ્લાસ; ઓનલાઈન પોર્ટલના ઇશ્યૂથી સપ્લાય ચેઈન ખોરવાઈ

Gujarat4/13/2026, 2:29:13 PM
સંઘ પ્રદેશમાં દારૂ ખૂટતાં ‘ડ્રાય સ્ટેટ’ જેવી સ્થિતિ:દીવ-દમણમાં બાર, રેસ્ટોરાં અને વાઈન શોપ્સમાં દારૂનો સ્ટોક ખલ્લાસ; ઓનલાઈન પોર્ટલના ઇશ્યૂથી સપ્લાય ચેઈન ખોરવાઈ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂ અને બિયરની તીવ્ર અછત સર્જાઈ છે. આબકારી વિભાગના ઓનલાઈન પોર્ટલ પર લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે સમગ્ર પ્રદેશમાં સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ વહીવટી વિલંબને કારણે પ્રવાસન ઉદ્યોગ અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે. IERMS પોર્ટલ પર પ્રક્રિયા અટકી નવા નાણાકીય વર્ષ માટે લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાં ટેક્નિકલ ખામી અથવા વહીવટી શિથિલતાને કારણે અવરોધ ઊભો થયો છે. આબકારી વિભાગના ઓનલાઈન પોર્ટલ (IERMS) પર કામગીરી ઠપ્પ થતા ગોડાઉનથી રિટેલર સુધી માલ પહોંચાડવા માટે જરૂરી ‘લોકલ ટ્રાન્સપોર્ટ પરમિટ’ ઇશ્યૂ થઈ રહી નથી. પરિણામે, જથ્થાબંધ વેપારીઓ પાસે સ્ટોક હોવા છતાં તે રિટેલ આઉટલેટ્સ સુધી પહોંચી શકતો નથી. સપ્લાય ખોરવાતા પ્રીમિયમ બ્રાન્ડ્સ ગાયબ વર્તમાન સ્થિતિને કારણે બાર, રેસ્ટોરાં અને વાઈન શોપ્સમાં દારૂનો સ્ટોક ખાલી થઈ ગયો છે. બજારમાંથી પ્રીમિયમ બ્રાન્ડ્સ સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે અને ગ્રાહકોએ માત્ર સ્થાનિક ડિસ્ટિલરીઓની મર્યાદિત પ્રોડક્ટ્સ પર નિર્ભર રહેવું પડે છે. અનેક જાણીતી વાઈન શોપ્સ પર 'સોલ્ડ આઉટ'ના બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે. પ્રવાસન ઉદ્યોગ અને અર્થતંત્ર પર માઠી અસર દમણ-દીવની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પ્રવાસન અને આબકારી આવક પર રહેલો છે. ખાસ કરીને ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાંથી હજારો સહેલાણીઓ વીકેન્ડમાં અહીં આવતા હોય છે. પરંતુ લિકરની અછતના સમાચાર ફેલાતા પ્રવાસીઓ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. હોટલ અને રેસ્ટોરાં એસોસિએશનના જણાવ્યા અનુસાર, જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો પ્રદેશની છબી ખરડાશે અને વેપારીઓ પર આર્થિક બોજ વધશે.
Read Original Article →