ડિજિટલ જનગણના:સંઘપ્રદેશમાં ડિજિટલ જનગણના 2027 ઝુંબેશની શરૂઆત કરાશે
દાદરા નગર હવેલી કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ, આગામી ડિજિટલ જનગણના 2027 માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના પ્રથમ ચરણમાં હાઉસ લિસ્ટિંગ અને આવાસ જનગણનાનું કાર્ય 20 એપ્રિલથી 19 મે સુધી હાથ ધરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની સુવિધા માટે ભારતમાં પ્રથમવાર ''સ્વ-ગણના'' નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. સ્વ-ગણના દ્વારા મેળવેલ ડેટાની સટીકતા અને પૂર્ણતાની ખાતરી કરવા માટે ગણનાકારો અને પર્યવેક્ષકો દ્વારા તેનું રૂબરૂ સત્યાપન કરવામાં આવશે. કલેક્ટર કચેરી દ્વારા દાદરા નગર હવેલીની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ ડિજિટલ પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને પોતાના પરિવારની વિગતો પોતે જ ઓનલાઇન દાખલ કરે. વધુમાં, 20 એપ્રિલથી શરૂ થનારા ક્ષેત્ર ભ્રમણ દરમિયાન જનગણના અધિકારી અને ગણનાકારોને પૂરતો સહયોગ આપવા માટે પણ નમ્ર અપીલ કરવામાં આવી છે. સંઘપ્રદેશ દાનહ અને દમણ પ્રશાસન દ્વારા વસ્તી ગણતરી માટેની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. વસ્તી ગણતરીમાં જોડાનાર કર્મચારીઓને આ અંગે જરૂરી તાલિમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ફોર્મમાં 33 સવાલના જવાબ આપો
પ્રદેશના પરિવાર 5 એપ્રિલથી 19 એપ્રિલ સુધી નિર્ધારિત વેબ પોર્ટલ se.census.gov.in પર પોતાના મોબાઈલ નંબર અને ક્રેડેશીયલ દ્વારા લોગ-ઈન કરીને વિગતો ઓનલાઇન ભરી શકશે. આ વેબ સુવિધા અત્યંત સુરક્ષિત છે અને 16 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. ડિજિટલ જનગણનાના આ પ્રથમ ચરણમાં કુલ 33 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓનલાઇન ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા બાદ એક અદ્વિતીય ''સ્વ-ગણના આઈડી'' જનરેટ થશે, જે ગણનાકારની મુલાકાત સમયે તેમને આપવાનો રહેશે.
Read Original Article →