પિત્તાશયના ઓપરેશન માટે ચાલતો આવેલો 35 વર્ષનો યુવાન 'બ્રેઈનડેડ':ધરમપુરની હોસ્પિટલ પર તબીબી બેદરકારીનો આક્ષેપ, ડોક્ટરે કહ્યું - દર્દીને 3 દિવસમાં બે હાર્ટએટેક આવ્યાં

Gujarat5/19/2026, 3:59:42 PM
પિત્તાશયના ઓપરેશન માટે ચાલતો આવેલો 35 વર્ષનો યુવાન 'બ્રેઈનડેડ':ધરમપુરની હોસ્પિટલ પર તબીબી બેદરકારીનો આક્ષેપ, ડોક્ટરે કહ્યું - દર્દીને 3 દિવસમાં બે હાર્ટએટેક આવ્યાં
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલી જાણીતી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ હાલ એક મોટા વિવાદના ઘેરામાં આવી ગઈ છે. પિત્તાશયની પથરીનું ઓપરેશન કરાવવા માટે પોતાના પગે ચાલીને હોસ્પિટલ આવેલા એક 35 વર્ષીય સર્વસામાન્ય યુવાનને ડોક્ટરો દ્વારા 'બ્રેઈનડેડ' જાહેર કરાતાં હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો છે. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ અને તબીબો પર દવાનો ઓવરડોઝ આપવાનો અને ગંભીર તબીબી બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે હોસ્પિટલ પ્રશાસન આ ઘટના પાછળ દર્દીની ગંભીર બીમારી અને હાર્ટ એટેક જવાબદાર હોવાનું કહી રહ્યું છે. શું છે સમગ્ર મામલો? 35 વર્ષીય નરેન્દ્રભાઈ ગુલાબભાઈ પટેલને પિત્તાશયમાં પથરી અને સોજાની તકલીફ હોવાથી 14 મેના રોજ ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, નરેન્દ્રભાઈ સંપૂર્ણપણે સ્વસ્થ હતા અને ચાલતા-ફરતા હોસ્પિટલે આવ્યા હતા. પરંતુ સારવાર શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ તેમની સ્થિતિ અત્યંત નાજુક થઈ ગઈ અને તેમને વેન્ટિલેટર પર મૂકવાની ફરજ પડી હતી. હાલમાં મગજના નિષ્ણાત ડોક્ટરે તપાસ બાદ નરેન્દ્રભાઈનું મગજ 90% થી 99% સુધી ડેડ (બ્રેઈનડેડ) થઈ ગયું હોવાનું જાહેર કર્યું છે. પરિવારનો આક્ષેપ:ખોટી દવા કે ઓવરડોઝથી યુવાનનો જીવ જોખમમાં મૂકાયો દર્દીના પરિવારજનો હોસ્પિટલના ખુલાસાઓથી જરાય સંતુષ્ટ નથી અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. દર્દીના સાઢુભાઈ જિગ્નેશ પટેલે કહ્યું, "અમે નરેન્દ્રભાઈને પિત્તાશયની પથરીના ઓપરેશન માટે અહીં લાવ્યા હતા. તેમને પહેલાં હૃદયની કોઈ તકલીફ નહોતી. સારવાર દરમિયાન જ્યારે ડોક્ટરોએ તેમના નાકમાં નળી નાખી, ત્યારે તેમનું આખું શરીર એકદમ ધ્રૂજી ઊઠ્યું અને તેઓ ગભરાઈ ગયા. અમને આશંકા છે કે સ્ટાફે કોઈ ખોટી દવા અથવા ભારે ડોઝ આપી દીધો જે તેમનું શરીર સહન ન કરી શક્યું. ત્યારબાદ તેમને વારંવાર ખેંચ (આંચકી) આવવા લાગી જેને ડોક્ટરો કંટ્રોલ ન કરી શક્યા. હવે ડોક્ટરો કહે છે કે 99% કોઈ ચાન્સ નથી અને બ્રેઈનડેડ થઈ ગયું છે. અમારો ચાલતો-બોલતો માણસ વેન્ટિલેટર પર પહોંચી ગયો, આ માટે માત્ર ને માત્ર હોસ્પિટલનો સ્ટાફ જ જવાબદાર છે." દાખલ કર્યાના એક જ કલાકમાં ડાયરેક્ટ વેન્ટિલેટર પર ચડાવી દીધા જ્યારે દર્દીના પિતરાઈ ભાઈ વિમલ પટેલે કહ્યું, "નરેન્દ્રભાઈને દાખલ કર્યાના એક જ કલાકમાં ડાયરેક્ટ વેન્ટિલેટર પર ચડાવી દીધા. જ્યારે અમે પૂછ્યું કે સ્ટાફથી કોઈ ભૂલ થઈ છે? તો મેન ડોક્ટરે તેને કુદરતી એટેક ગણાવ્યો. અમે જ્યારે પેશન્ટને બીજી હોસ્પિટલમાં લઈ જવાની વાત કરી, ત્યારે પણ હોસ્પિટલે એમ કહીને ના પાડી દીધી કે બધી સારવાર અહીં ઉપલબ્ધ જ છે. નરેન્દ્રભાઈના નાના બાળકો છે, તેમના માથા પરથી પિતાનો સાયો છીનવાઈ રહ્યો છે. અમારી માંગ છે કે અમને ન્યાય મળે." હોસ્પિટલ અને ડોક્ટરોનો ખુલાસો બીજી તરફ, હોસ્પિટલના તબીબોએ પોતાની સામે લાગેલા બેદરકારીના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને મેડિકલ પુરાવાઓ સાથે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. હોસ્પિટલના ડો.આલટને કહ્યું કે “દર્દી છેલ્લા એક મહિનાથી પેટના અસહ્ય દુખાવાથી પીડાતા હતા. અમારી હોસ્પિટલમાં આવતા પહેલાં પણ તેઓ અન્ય બે હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા હતા, જ્યાંથી તેમને હાયર સેન્ટર (મોટી હોસ્પિટલ)માં રેફર કરાયા હતા. 15 મેના રોજ જ્યારે તેઓ આવ્યા ત્યારે સોનોગ્રાફીમાં પિત્તાશયમાં ગંભીર ઇન્ફેક્શન અને પાક હોવાનું સામે આવ્યું હતું. અમે ઓપરેશનની તૈયારી માટે પ્રી-ઓપરેશન ચેકઅપ (રિપોર્ટ્સ) કરાવ્યા, જેમાં જાણ થઈ કે દર્દીનું હૃદય ઘણું નબળું છે અને તેમને અગાઉથી જ એક હાર્ટ એટેક આવેલો હતો. આથી અમે ઓપરેશન મુલતવી રાખીને પહેલાં હૃદય અને ઇન્ફેક્શનની દવાઓ શરૂ કરી. બે-ત્રણ દિવસ સ્થિતિ સારી રહી, પરંતુ 16 મેની રાત્રે અચાનક શ્વાસની તકલીફ વધી ગઈ અને હાર્ટ રેટ ઘટી જતાં અમે તાત્કાલિક CPR અને ઈમરજન્સી ઈન્ટ્યુબેશન (નાકમાં નળી નાખવાની પ્રક્રિયા) કરી આઈસીયુમાં લીધા. દર્દીને બીજો હાર્ટ એટેક આવવાને કારણે અને ગંભીર ઇન્ફેક્શન મગજ સુધી પહોંચવાને લીધે તેમની સ્થિતિ ચિંતાજનક બની છે.” જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે યુવક હાલમાં 35 વર્ષીય નરેન્દ્રભાઈ પટેલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. એક તરફ પરિવારનો આક્રોશ છે કે ઓપરેશન પહેલાં લોહીના અને હૃદયના રિપોર્ટ પ્રોપરલી ચેક કર્યા વિના જ પ્રક્રિયા કેમ શરૂ કરાઈ? અને નાકમાં નળી નાખતી વખતે એવું તે શું થયું કે દર્દીનું શરીર ધ્રૂજી ઊઠ્યું? બીજી તરફ હોસ્પિટલ તેને દર્દીની જૂની બીમારી અને હૃદયની નબળાઈ ગણાવી રહી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે તબીબી ક્ષેત્રની સુરક્ષા અને દર્દીઓના અધિકારો અંગે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે. પરિવારજનો હાલ માત્ર પોતાના દીકરાના ચમત્કારિક સાજા થવાની પ્રાર્થના અને ન્યાયની આશા રાખીને બેઠા છે.
Read Original Article →