ધરમપુરમાં ACBની સફળ ટ્રેપ:ASI સહિત બે પોલીસકર્મીઓ ₹5 હજારની લાંચ લેતા ઝડપાયા, એક ફરાર
વલસાડ જિલ્લાના ધરમપુરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવી બે પોલીસકર્મીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. પ્રોહિબિશનના કેસમાં આરોપીને હેરાન ન કરવા અને લોકઅપમાં ન મૂકવાના બહાને ₹5,000ની લાંચ માંગવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એક પોલીસકર્મી સ્થળ પરથી પકડાયો હતો, જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. આ કેસમાં ધરમપુર પોલીસ સ્ટેશન હેઠળની પંગારબારી આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ASI કિશોરભાઈ મનુભાઈ ગાંવિત અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ યશવંતભાઈ ભોયા સામે ACBએ ગુનો નોંધ્યો છે. એક જાગૃત નાગરિકે આ અંગે ફરિયાદી તરીકે અરજી આપી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, અગાઉ તેમના વિરુદ્ધ ધરમપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. તે સમયે અટકાયત દરમિયાન લોકઅપમાં ન મૂકવા અને ભવિષ્યમાં કોઈ હેરાનગતિ ન કરવા બદલ ASI કિશોરભાઈએ ₹15,000ની લાંચની માંગણી કરી હતી.વાટાઘાટોના અંતે ₹8,000 આપવાનું નક્કી થયું હતું, જેમાંથી ફરિયાદીએ અગાઉ ₹3,000 ચૂકવી દીધા હતા. બાકીના ₹5,000ની લાંચ આપવાની ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.ફરિયાદીની અરજીના આધારે ACBની ટીમે ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન, ફરિયાદીએ ASI કિશોરભાઈનો મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. કિશોરભાઈના કહેવા મુજબ, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ભોયા ધરમપુર પોલીસ સ્ટેશનની બહાર જાહેર રોડ પર આવ્યા અને ₹5,000ની લાંચ સ્વીકારી.લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ACBની ટીમે કોન્સ્ટેબલ રમેશભાઈને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જોકે, ASI કિશોરભાઈને કાર્યવાહી અંગે શંકા જતાં તેઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ACBએ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
Read Original Article →