EDનો ₹3000 કરોડના સટ્ટાબાજી કૌભાંડ પર મેગા એટેક:સાયપ્રસના 'પરિમેચ' નેટવર્ક પર દરોડા વચ્ચે દમણમાંથી 1.2 કરડોની રોકડ જપ્ત; ₹3.8 કરોડ ફ્રીઝ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સાયપ્રસ સ્થિત ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ 'પરિમેચ' સામે દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ સાયબર પોલીસમાં નોંધાયેલી FIRના આધારે દમણ સહિત 17 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક જ વર્ષમાં ₹3000 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજી સિન્ડિકેટ રોકાણકારોને ઊંચા વળતર અને ઝડપી નફાની લાલચ આપી મોટા પાયે નાણાં એકત્રિત કરતું હતું. સમગ્ર નેટવર્કના નાણાકીય વ્યવહારો માટે દમણને મુખ્ય ફાઇનાન્સિયલ સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દમણમાં IT અને ફિનટેક કંપનીઓના નામે ડમી ઓફિસો ઊભી કરીને મ્યુલ એકાઉન્ટ્સ અને P2P ટ્રાન્ઝેક્શન દ્વારા કરોડો રૂપિયાની ગેરકાયદેસર નાણાંની હેરાફેરી કરવામાં આવતી હતી. EDની ટીમે દરોડા દરમિયાન દમણ સહિત વિવિધ સ્થળોએથી કુલ ₹1.56 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં અંદાજે ₹1.2 કરોડની રોકડ રકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ શેલ એકાઉન્ટ્સમાં પડેલી ₹3.8 કરોડની રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં કુલ ₹112 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હોવાથી હાલ કોઈ સીધી ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તપાસ એજન્સીએ દમણની ઓફિસોમાંથી મોટા પ્રમાણમાં હાર્ડ ડિસ્ક, લેપટોપ, સર્વર ડેટા અને અન્ય ડિજિટલ પુરાવાઓ કબજે કર્યા છે. હવે ED દ્વારા જપ્ત કરાયેલા ડિજિટલ પુરાવાઓનું ફોરેન્સિક એનાલિસિસ હાથ ધરવામાં આવશે. તપાસ આગળ વધતાં આ કૌભાંડમાં સામેલ સ્થાનિક દલાલો, ડમી ડિરેક્ટરો અને નાણાંની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ થવાની શક્યતા છે. દમણ મારફતે ચાલતા આ આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજી અને હવાલા નેટવર્કનો પર્દાફાશ થતાં સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે.
Read Original Article →