દમણમાં આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર અને આઇકોનિક બ્રિજ બનશે:પ્રવાસન અને અર્થતંત્રને વેગ આપવા ડ્રીમ પ્રોજેક્ટ આકાર લેશે

Gujarat5/12/2026, 4:49:24 PM
દમણમાં આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર અને આઇકોનિક બ્રિજ બનશે:પ્રવાસન અને અર્થતંત્રને વેગ આપવા ડ્રીમ પ્રોજેક્ટ આકાર લેશે
અરબી સમુદ્રના કિનારે આવેલું સંઘપ્રદેશ દમણ ભવિષ્યમાં એક ભવ્ય અને અત્યાધુનિક પ્રવાસન તથા બિઝનેસ હબ બનવા જઈ રહ્યું છે. સરકારના નવા પ્રસ્તાવિત 'ડ્રીમ પ્રોજેક્ટ' હેઠળ દમણના દરિયાકિનારે અને દમણગંગા નદી પર આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દમણના પ્રવાસન અને અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં, દરિયા કિનારાની નજીક એક વિશાળ જગ્યા પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું કન્વેન્શન સેન્ટર અને હોસ્પિટાલિટી ઝોન ઊભો કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ત્રણ મુખ્ય પ્લોટનો સમાવેશ થાય છે: 7 એકરમાં મુખ્ય કન્વેન્શન સેન્ટર, 7.19 એકરમાં ફાઇવ-સ્ટાર કક્ષાની હોટેલ અને 4.5 એકરમાં વિશાળ ઇવેન્ટ લોન. આ આધુનિક ડિઝાઇનના કન્વેન્શન સેન્ટરમાં ભવ્ય ગ્રાન્ડ સ્ટેરકેસ, VIP ડ્રોપ-ઓફ, હજારો લોકોની ક્ષમતા ધરાવતો મુખ્ય કન્વેન્શન હોલ, કોર્પોરેટ મીટિંગ્સ માટે અત્યાધુનિક કોન્ફરન્સ રૂમ્સ અને દરિયાના નજારા સાથેનું એમ્ફીથિયેટર સ્ટાઇલ કોન્ફરન્સ રૂમ જેવી સુવિધાઓ મળશે. પ્રોજેક્ટના બીજા ભાગમાં, દમણગંગા નદી પર નાની દમણ અને મોટી દમણને જોડતો એક અદભુત 'આઇકોનિક બ્રિજ' બનાવવામાં આવશે. આ બ્રિજની ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ બ્રિજ નાની દમણ બીચ અને ફોર્ટ વિસ્તારને મોટી દમણના લાઇટહાઉસ અને ફોર્ટ વિસ્તાર સાથે સીધો જોડશે. બ્રિજની મધ્યમાં નદીની ઉપર એક વિશાળ રિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે, જેમાં કાફે, રેસ્ટોરન્ટ્સ, ઓપન સીટિંગ એરિયા અને વોકવે હશે, જ્યાંથી પ્રવાસીઓ નદી અને દરિયાના સંગમનો નજારો માણી શકશે. રાત્રિના સમયે આ બ્રિજ ડાયનેમિક LED લાઇટિંગ અને ભવ્ય લેઝર શો સાથે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.આ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટથી દમણના અર્થતંત્રને જબરદસ્ત વેગ મળશે અને સ્થાનિક રોજગારીમાં નોંધપાત્ર વધારો થશે. આના પરિણામે દમણ ભારતનું પ્રીમિયમ પ્રવાસન સ્થળ બની રહેશે તેવી અપેક્ષા છે.
Read Original Article →