દમણ પોલીસે દરિયામાં પીછો કરી દારૂ ભરેલી બોટ પકડી:ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ, બે બૂટલેગર ઝડપાયા
દમણ પોલીસે દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે દરિયામાં પીછો કરીને એક શંકાસ્પદ બોટને ઝડપી પાડી હતી. આ ઓપરેશન દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના કોસ્ટલ પોલીસ સ્ટેશનોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, દમણ પોલીસ વડા (SP) અને SDPOની સૂચના બાદ તમામ કોસ્ટલ યુનિટોને ખાસ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. 21 મેના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યાની આસપાસ નાની દમણ જેટી નજીક પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે દરિયાકિનારા તરફ ઝડપથી આગળ વધી રહેલી એક શંકાસ્પદ બોટ પોલીસની નજરે ચઢી હતી. ત્યાં ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલ નરેશ હળપતિ, IRBN જવાન ઉબૈદુલ્લા પી.કે. તેમજ PCR સ્ટાફે તરત જ બોટને રોકવા માટે સિગ્નલ આપ્યો હતો. જોકે, પોલીસને જોઈ બોટમાં સવાર શખ્સો ગભરાઈ ગયા હતા અને ઝડપથી બોટ ભગાવીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. બૂટલેગરો ભાગી છૂટતા જ નાની દમણ પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્રના તમામ દરિયાઈ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. અલગ-અલગ ટીમો બનાવી દરિયામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દિવસ-રાત ચાલેલી કાર્યવાહીના અંતે 22 મેના રોજ ચોક્કસ બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ બોટને ટ્રેક કરીને આંતરી લીધી હતી. પોલીસે બોટ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં હસન અય્યુબ (ઉંમર 40) અને કાન્હાભાઈ મુશરીભાઈ વાડવી (ઉંમર 45)નો સમાવેશ થાય છે, જે બંને ગીર સોમનાથ જિલ્લાના સુથારપાડાના રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દીવ-દમણ વિસ્તારમાંથી દરિયાઈ માર્ગે ગુજરાતના ગીર સોમનાથ વિસ્તારમાં મોટા પાયે દારૂની હેરાફેરી કરવાની તૈયારીમાં હતા. હાલ પોલીસે સમગ્ર નેટવર્કની કડીઓ જોડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે, દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો અને ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ ચાલી રહી છે. દમણના દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે.
Read Original Article →