દમણમાં PM મોદી રૂ.3000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે:નવા એરપોર્ટ-હોસ્પિટલ સહિત 53 પ્રોજેક્ટ્સ, જનસભામાં 1 લાખથી વધુ લોકો ઉમટવાની સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સંઘપ્રદેશ દમણની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેમના હસ્તે રૂ. 3000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે સ્થાનિક વહીવટીતંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
38 વિકાસકાર્યોનું લોકાર્પણ, 15 નવી પરિયોજનાઓનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન કુલ 38 વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે અને 15 નવી પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરશે. લોકાર્પણ થનારા મુખ્ય પ્રોજેક્ટ્સમાં નવું એરપોર્ટ અને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી નવી સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવતી સરકારી શાળાઓ અને વહીવટી કામગીરી સરળ બનાવતી નવી સેક્રેટરીએટ ઓફિસનું પણ લોકાર્પણ થશે. નવા એરપોર્ટથી દમણની મોટા શહેરો સાથે કનેક્ટિવિટી વધશે
નવા એરપોર્ટના કારણે દમણ હવે દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરો સાથે સીધું હવાઈ જોડાણ ધરાવશે. આ નવી કનેક્ટિવિટીથી દમણના ઉદ્યોગોને વેગ મળશે અને પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. અત્યાર સુધી દમણ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત હતું, પરંતુ હવે દેશભરમાંથી પ્રવાસીઓ સરળતાથી અહીં આવી શકશે. અહીં બનેલી નાઇટ માર્કેટ પણ પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનશે. જાહેર સભામાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના
વડાપ્રધાનની જાહેર સભામાં દમણ અને આસપાસના ગુજરાતના વિસ્તારોમાંથી 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના કાર્યકરો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને 'ઘર-ઘર જઈ' લોકોને સભામાં આવવા માટે રૂબરૂ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. દમણથી લક્ષદ્વીપના 855 કરોડના 4 વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત
પ્રધાનમંત્રી મોદી કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે આશરે 885 કરોડના 4 મહત્વના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.આ પ્રોજેક્ટ્સમાં કલ્પેની ટાપુ અને કદમત ટાપુ બંનેની પૂર્વ અને પશ્ચિમ બાજુએ પોર્ટ (બંદર) સુવિધાઓનો વિકાસ સામેલ છે. આ બહુહેતુક જેટીઓનો વિકાસ 300 મીટર સુધીની લંબાઈ ધરાવતા ક્રૂઝ જહાજો સહિત મોટા પેસેન્જર જહાજોને આખું વર્ષ લાંગરવાની સુવિધા પૂરી પાડશે. આ પ્રોજેક્ટ્સ મુસાફરો અને કાર્ગોનું સલામત અને કાર્યક્ષમ સંચાલન સક્ષમ બનાવશે, અને માછલીના સંચાલન, બળતણ વિતરણ, બરફ પુરવઠો અને બોટ સમારકામ માટે સંકલિત સુવિધાઓ પૂરી પાડશે. આ પહેલો દરિયાઈ કનેક્ટિવિટી મજબૂત કરશે, સ્થાનિક માછીમારોની આજીવિકાને ટેકો આપશે, પ્રવાસનને પ્રોત્સાહન આપશે અને ટાપુઓના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપશે.
Read Original Article →