સેલવાસના એક ગોડાઉનમાં બ્લાસ્ટ, 3નાં મોત:સ્કૂલથી માત્ર 30 મીટર દૂર થયો ધડાકો; 8ને હોસ્પિટલ ખસેડાયા, સાંસદ ઉમેશ પટેલ પીડિત પરિવારોને મળ્યા

Gujarat4/4/2026, 6:33:03 AM
સેલવાસના એક ગોડાઉનમાં બ્લાસ્ટ, 3નાં મોત:સ્કૂલથી માત્ર 30 મીટર દૂર થયો ધડાકો; 8ને હોસ્પિટલ ખસેડાયા, સાંસદ ઉમેશ પટેલ પીડિત પરિવારોને મળ્યા
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના હૃદય સમાન સેલવાસના ડેમ વિસ્તારની નજીકમાં આવેલ નાઇટ્રોજન ગેસના એક ગોડાઉનમાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ થતા સમગ્ર પંથક ધ્રૂજી ઉઠ્યો હતો. આ દુર્ઘટનાએ ઉદ્યોગ જગત અને સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. અત્યંત ચોંકાવનારી વિગત એ છે કે, આ મોતના ગોડાઉન જેવું જોખમી એકમ એક શૈક્ષણિક સંકુલ એટલે કે સ્કૂલથી માત્ર 30 મીટરના જ અંતરે જ આવેલું હતું. જો આ બ્લાસ્ટ ચાલુ શૈક્ષણિક કલાકો દરમિયાન થયો હોત, તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત તેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેમ છે. 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત ગોડાઉનમાં થયેલો વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ત્યાં ફરજ બજાવી રહેલા અને શ્રમ કરી રહેલા 3 શ્રમિકોના લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અને 8 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મૃતાત્માઓના પરિવારોમાં કાળો કલ્પાંત છવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાદરા અને નગર હવેલીના ફાયર ફાઈટરના જવાનો તાબડતોબ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની સાથે વધુ જાનહાનિ અટકાવવા માટે સઘન તપાસ અને કામગીરી હાથ ધરી છે. ફોન્સિક વાન ઘટના સ્થળે બ્લાસ્ટની આ ઘટના બાદ મોબાઇલ ફોન્સિક વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, સભ્યો પુરાવા એકઠા કરવાના કામે લાગી ગયા હતા. જેથી કરીને બ્લાસ્ટનું કારણ શક્ય તેટલું વહેલું જાણી શકાય. નોંધનીય છે કે, પુરાવાઓને લેબોરેટરી (FSL) મોકલતા પહેલા જે સમય બગડે છે, તેમાં આ વાનથી ઘટાડો થાય છે. અને પુરાવાઓ ફ્રેશ રહેતા વધુ સચોટ રિઝલ્ટ મળે છે દમણના સાંસદ ઉમેશ પટેલ મૃતકોના પરિજનોને મળ્યા સેલવાસમાં બનેલી બ્લાસ્ટની ઘટનાની જાણ દમણ સાંસદ ઉમેશ પટેલને થતા મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. સેલવાસમાં આવેલી નામો હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી ઘટના અંગે જરૂરી માહિતી મેળવી હતી.તેમણે રહેણાંક વિસ્તારમાં અને શાળાની નજીક ના વિસ્તારમાં ઓક્સિજ સિલિન્ડર ગોડાઉનની મંજૂરી ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગોડાઉન ગેરકાયદેસર હશે તો એક્શન લઈશું- કલેક્ટર દાદરા નગર હવેલીના કલેક્ટર પ્રિયાંક કિશોરે આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તપાસ ચાલી રહી છે એફએસલ ટીમ આવી રહી છે. અહીં ગેસ એજન્સી ચાલી રહી હતી. ઓક્સિજન સપ્લાય કરતી હતી. આ ઉપરાંત બીજા પણ વિવિધ ગેસ સપ્લાય કરતી હતી તે કેવા પ્રકારનો ગેસ સપ્લાય કરતી અને આ કેવા ગેસથી બ્લાસ્ટ થયો છે તેની તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી અમે વધારે કશું કહી શકીએ તેમ નથી. હાલ 8 લોકોને હોસ્પિટલ શિફ્ટ કરાયા છે. જો ગોડાઉન ગેરકાયદેસર હશે તો એક્શન લઈશું અમે માંડ માંડ બચ્યા- સ્થાનિક આ ઘટનાને નજરે જોનાર સ્થાનિક લક્ષ્મણ ભાઈએ જણાવ્યું હતું કે, 'અમે સવાર અહીં ઊભા હતા ઓટલા પર, અમને જોરદાર બ્લાસ્ટનો અવાજ સંભળાયો અમે તો ભાગ્યા ત્યાં તો પાછથી કંઈક ઊડીને આવ્યું, અમારા મકાનના બારીના અને પાર્ક કરેલી ગાડીના કાચ તોડી નાખ્યા, ઘણું નુકસાન થયું. અમે ગભરાઈને ભાગી ગયા, કશું દેખાતું નહોતું. બાટલા ફાટીને ઉછળીને પડ્યા હતા અમે માંડ બચ્યા છીએ' 'અહીં રીફિલિંગ નથી થતું માત્ર ડિસ્ટ્રિબ્યૂશન થાય છે' ગોડાઉન સંચાલકોની બેદરકારી સામે ઉઠેલા સવાલો વિશે વાત કરતાં ગોડાઉનના માર્કેટિંગ હેડ ધવલ પ્રજાપતિએ જણાવ્યું કે,'સવારે સાડા નવ વાગ્યે હું ઓફિસ પર આવ્યો હતો અહી કોઈ પ્રકારનું રિફીલિંગ થતું નથી. પ્લાન્ટથી લાવવામાં આવેલા સિલિન્ડરનું અહીથી માત્ર ડ્રિસ્ટ્રિબ્યૂશન કરવામાં આવે છે.સવારે અહીં બધા રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક મોટો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ કેમ થયો તેની તો મને પણ ખબર નથી.તે વખતે અમે બધા સ્ટાફ મેમ્બર સ્તબ્ધ થઈ ગયા હતા. બ્લાસ્ટ વખતે ગોડાઉનના માલિક હરેશભાઈ પણ ઓફિસમાં જ હતા. તેમનું હજુ સ્ટેમેન્ટ આવ્યું નથી આ પ્રચંડ બ્લાસ્ટ અને ત્રણ-ત્રણ માનવ જિંદગીઓ હોમાઈ જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોમાં આ પ્રકારના જોખમી ગોડાઉનોની મંજૂરી સામે પણ અનેક સવાલો અને રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →