'મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું':કોઈ રાજ્યની અડધી મિનિસ્ટ્રી 10મું પાસ હોય તો તેને શું કહેવાય? તેમના શબ્દો ગુજરાતીઓ માટે નહીં નેતાઓ માટે હતા: કોંગ્રેસ પ્રવક્તા

Gujarat4/7/2026, 3:09:02 PM
'મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું':કોઈ રાજ્યની અડધી મિનિસ્ટ્રી 10મું પાસ હોય તો તેને શું કહેવાય? તેમના શબ્દો ગુજરાતીઓ માટે નહીં નેતાઓ માટે હતા: કોંગ્રેસ પ્રવક્તા
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની રેલીમાં ગુજરાતીઓને 'અભણ' ગણાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ પ્રવક્તા ધવલ પટેલની તીખી પ્રતિક્રિયા બાદ હવે કોંગ્રેસે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અનુપસિંહ રાજપૂતે વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન વાપી ખાતે પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ પર નિશાન સાંધ્યું હતું. અનુપસિંહ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ભાજપ દ્વારા જાણીજોઈને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. હું પણ એક ગુજરાતી છું. 'અભણ' કહેવું એ કોઈ ગુનો નથી. કોઈ રાજ્યનો ગૃહમંત્રી 8મું પાસ હોય તો તેને શું કહેવાય? અડધી મિનિસ્ટ્રી 10મું પાસ હોય તો તેને શું કહેવાય? તેમણે સ્પષ્ટતા કરી કે, ખડગેનું નિવેદન કોઈ વ્યક્તિગત સમાજ કે ગુજરાતની જનતા માટે નહોતું, પરંતુ તે ગુજરાતના નેતાઓ માટેના શબ્દો છે. રાજપૂતે વધુમાં ઉમેર્યું કે, ભાજપ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને જનતાનું ધ્યાન ભટકાવવા માટે આવા વિવાદો ઉભા કરવાનો પ્રયાસ કરી રહી છે. પત્રકાર પરિષદ દરમિયાન, અનુપસિંહે સોશિયલ મીડિયા અને X (Twitter) પર સરકારના વધતા નિયંત્રણ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર શું રહેશે અને શું ડિલીટ થશે તે હવે સરકાર નક્કી કરી રહી છે. વાપી ખાતે કાર્યકરો સાથેની બેઠક બાદ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જનતા ભાજપના ભ્રામક પ્રચારને સમજી ગઈ છે. તેમણે દાવો કર્યો કે, આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો મેયર કે પ્રમુખ બનશે તે નિશ્ચિત છે. ખડગેએ ગુજરાતીઓ વિશે શું કહ્યું હતું ? મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલે રવિવારે ઈડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન એક કથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને "અભણ" ગણાવ્યા હતા અને તેમના મતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને "મૂર્ખ" બનાવી રહ્યા છે. ખડગેએ કહ્યું હતું કે મોદી કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી, કારણ કે તેઓ "ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત" છે. ખડગેએ ગુજરાતીઓ વિશે કહ્યું હતું, “કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. મોદીજી, વિજયન - તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.” CMએ કહ્યું- ‘ખડગેના નિવેદને 6.5 કરોડ ગુજરાતીઓ અને ગાંધી-સરદારની ભૂમિની ગરિમા લજવી છે’ ખડગેના નિવેદનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેએ આ નિવેદન આપી સાડા છ કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે. સાથે-સાથે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિના ગૌરવને પણ ઠેંસ પહોંચાડી છે. ખડગેનું શરમનજક નિવેદન સ્પષ્ટ કરે છે કે, મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલા જનસમર્થનથી કોંગ્રેસ અસુરક્ષિત મહેસૂસ કરે છે. પાંચ રાજ્યોની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ આવા નિવેદનો કરે છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં પણ ખડગે અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આપણે તો બધા ભણેલા ગણેલા છીએ પણ કોંગ્રેસના પ્રમુખને ખબર નથી. આપણે કોલેજમાં કેટલાય જણાની હાજરી પુરાવી દીધી છે. ખડગેના નિવેદન બાદ રવિવારે પણ મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે અને આવનારા સમયમાં કેરળની જનતા પણ કોંગ્રેસને નકારી દેશે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આકરા પ્રહાર કરતાં ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” અને “ગુજરાતીઓ પ્રત્યે નફરત” તરીકે વર્ણવ્યું હતું. તેમણે કોંગ્રેસને જાહેર માફી માગવાની માંગ કરી છે અને કહ્યું છે કે, આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે. આ 6.5 કરોડ ગુજરાતીઓનું ઘોર અપમાન : ભાજપ ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે એક વીડિયો સંદેશ જાહેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો છે કે મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતની જનતાને 'અભણ' કહીને સમગ્ર રાજ્યનું ઘોર અપમાન કર્યું છે. ધવલ પટેલે જણાવ્યું કે, “કોંગ્રેસના નેતાઓના મનમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે જે નફરત ભરેલી છે, તે ફરી એકવાર બહાર આવી છે. તેઓ એવું માને છે કે ગુજરાતીઓ અભણ છે અને એટલે જ વારંવાર ભાજપને મત આપે છે, જે રાજ્યની જનતાનું સીધું અપમાન છે.”
Read Original Article →