દમણમાં સોમનાથ કચીગામ રોડ પર અકસ્માત:બાઈક વીજ થાંભલા સાથે અથડાતા 21 વર્ષીય યુવાનનું મોત

Gujarat4/9/2026, 5:08:32 PM
દમણમાં સોમનાથ કચીગામ રોડ પર અકસ્માત:બાઈક વીજ થાંભલા સાથે અથડાતા 21 વર્ષીય યુવાનનું મોત
સંઘપ્રદેશ દમણના સોમનાથ કચીગામ રોડ પર બુધવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં 21 વર્ષીય યુવાનનું મોત થયું છે. બાઈક વીજ થાંભલા સાથે અથડાતા આ દુર્ઘટના બની હતી. મૃતક યુવાનની ઓળખ બિહારના પટનાના વતની અને કચીગામ વિસ્તારમાં વીરલભાઈની ચાલમાં રહેતા અમિત ઉપેન્દ્ર રાય (ઉં.વ. 21) તરીકે થઈ છે. અમિત પોતાની સ્પ્લેન્ડર મોટરસાઈકલ (નંબર DD-03-Q-6833) પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. સોમનાથ કચીગામ રોડ પર અચાનક તેણે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે, તેની બાઈક ડિવાઈડર પાસે આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં યુવાન રસ્તા પર પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને કચીગામ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક સાધવાના પ્રયાસો શરૂ કર્યા છે અને આ સમગ્ર બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →