સાંસદ પદેથી રાજીનામાની અટકળો વચ્ચે યુસુફ પઠાણનું મહત્વનું નિવેદન:કહ્યું-'મને મમતા બેનરજી કે પાર્ટીના કોઈ લીડરે ક્યારેય રાજીનામું આપવા કહ્યું નથી'
પશ્ચિમ બંગાળમાં તૃણમૃલ કોંગ્રેસ અને મમતા બેનરજીની કારમી હાર બાદ છેલ્લા કેટલાક દિવસથી બહેરામપુર લોકસભા બેઠક પરથી સાંસદ યુસુફ પઠાણના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું છે. મમતા બેનરજી હવે લોકસભામાં જવા માગતા હોય સલામત ગણાતી યુસુફ પઠાણની સીટ પર ચૂંટણી લડવા ઈચ્છા હોય પઠાણને રાજીનામું આપવા માટે કહેવાયું હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે યુસુફ પઠાણે સામે આવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. પઠાણે કહ્યું કે, મને મમતા બેનરજી કે પાર્ટીના કોઈ લીડરે ક્યારેય પણ રાજીનામું આપવાની વાત કરી નથી. મને રાજીનામું આપવા માટે કહેવાયું હોવાની વાત ખોટી- યુસુફ પઠાણ
યુસુફ પઠાણે જણાવ્યું કે, હું તમારી સાથે એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે છેલ્લા ઘણા સમયથી એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે મમતા બેનર્જીએ મને બહેરામપુર લોકસભા બેઠક પરથી રાજીનામું આપવા કહ્યું છે, જેથી તેઓ ત્યાંથી લોકસભાની ચૂંટણી લડી શકે આ વાત તદ્દન ખોટી છે. તેમણે વધુમાં કહ્યું, મમતા બેનર્જીએ મને ક્યારેય પણ આવી કોઈ વાત કરી નથી. છેલ્લી મીટિંગમાં પણ તેમણે આ અંગે કોઈ ચર્ચા કરી નથી અને પાર્ટીના કોઈ અધિકારી દ્વારા પણ આવો સંદેશ મોકલવામાં આવ્યો નથી. યુસુફ પઠાણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, કોઈ અધિકૃત સમાચાર વિના જ સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા હાઉસમાં આ વિષય પર ચર્ચાઓ અને ડિબેટ ચાલી રહી છે, જે ખેદજનક છે. પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા સીટ પરથી સાંસદ છે યુસુફ પઠાણ
2024ની લોકસભા ચૂંટણીમાં યુસુફ પઠાણે કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને 85 હજાર મતોથી હરાવ્યા હતા. અધીર તે બેઠક પરથી સતત 5 વખત ચૂંટણી જીતતા આવ્યા હતા અને તે સમયે લોકસભામાં કોંગ્રેસના નેતા હતા. ત્યારથી આ બેઠક TMC માટે સુરક્ષિત બેઠક તરીકે જોવામાં આવતી હતી કારણ કે અહીં 50-52% મુસ્લિમ વસ્તીના મત છે, જે બંગાળમાં TMCના મુખ્ય મતદારો ગણાય છે. મમતા હવે ધારાસભ્ય પણ નથી
પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી 4 મેના રોજ આવેલા વિધાનસભા ચૂંટણી પરિણામોમાં પોતાની બેઠક પરથી હારી ગયા હતા. હાલના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મમતાને 15 હજાર મતોથી હરાવ્યા હતા. એટલે કે, ત્રણ વખત બંગાળના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા મમતા બેનર્જી હવે ધારાસભ્ય પણ નથી. શુભેન્દુએ સતત બીજી વખત મમતાને વિધાનસભા ચૂંટણીમાં હરાવ્યા હતા. 2026 પહેલા 2021માં પણ તેમણે મમતાને નંદીગ્રામ વિધાનસભામાંથી હરાવ્યા હતા.
Read Original Article →