દંપતી વચ્ચે વિખવાદ:તેં મારા ભાઈઓને મારી નાખ્યા છે, તેમની આત્મા મને પરેશાન કરે છે, હું તને પરેશાન કરીશ, કહી મેલી વિદ્યા કરી પતિનો પત્નીને ત્રાસ
બોપાદ વિસ્તારમાં રહેતી મહિલાને તેનો પતિ મેલી વિદ્યા કરીને પરેશાન કરતો હતો. તેં મારા બધા ભાઈઓને મારી નાખ્યા છે, તેમની આત્માઓ મને પરેશાન કરે છે, આવા ખોટા આક્ષેપો કરતા પતિ સાથે મહિલા રહેવા નહોતી માગતી અને પિયર જવા માગતી હતી. જોકે પતિ તેને પિયર પણ જવા દેતો નહોતો. જેથી પિયર પક્ષે મહિલાને અભયમની મદદ લેવા સલાહ આપી હતી. અભયમની ટીમે મહિલાના પતિનુંં કાઉન્સેલિંગ કર્યું હતું. જોકે મહિલા પિયર જવા માગતી હોવાથી અભયમે તેને પિયરમાં પહોંચાડી હતી. બાપોદ ખાતે રહેતી મહિલાએ અભયમને કૉલ કરીને પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે, મારા લવ મેરેજ થયા છે. જોકે કેટલાક સમયથી અમારી વચ્ચે તકરાર ચાલી રહી છે. મારા પતિ મને ઘરમાં પૂરીને જતા રહે છે અને મને ઘરની બહાર નીકળવા દેતા નથી. તે મારા બાળકોને અને મને મારે છે. મારા પતિ અંધશ્રદ્ધમાં માને છે. તેઓ ઘરમાં સતત મેલી વિદ્યાઓ કરતા રહે છે. ઉપરાંત તેઓ મારા પર આક્ષેપ કરે છે કે, તેં મારા ભાઈઓને મારી નાખ્યા છે, જેથી તેઓની આત્મા મારી પાછળ ફર્યા કરે છે. તે મને પરેશાન કરે છે અટેલે હું તને પરેશાન કરીશ. જેથી હું કંટાળી ગઈ છું અને મારાં બાળકો સાથે પિયર જવા માગું છું, પણ તે મને પિયર પણ નથી જવા દેતા. જેથી અભયમની ટીમ મહિલાના ઘરે પહોંચી હતી. ટીમ દ્વારા મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અભયમે તેઓને સમજાવ્યું હતું કે, અંધશ્રદ્ધા મિથ્યા છે, આના કારણે તમારો પરિવાર તૂટી રહ્યો છે. તમારે આ બધી વસ્તુઓ છોડીને પરિવાર પર ધ્યાન આપવું જોઈએ. જેથી તમારાં પત્ની અને સંતાનો હેરાન ન થાય. જોકે મહિલા પિયર જ જવા માગતી હોવાને કારણે અભયમે મહિલા અને બાળકોને તેના પિયર પહોંચાડ્યાં હતાં અને મામલો થાળે પાડ્યો હતો. બાળકો સતત ભયના ઓથારમાં રહેતાં હતાં મહિલાએ અભયમને જણાવ્યું હતું કે, તે ઘરમાં ખુલ્લેઆમ મેલી વિદ્યા કરતા હતા. જેને કારણે મારાં ત્રણ બાળકો સતત ભયમાં રહેતાં હતાં, કારણે કે, મારા પતિ બધી જ મેલી વિદ્યા બાળકોની સામે કરતા હતા. આ બાબતે ઘણીવાર તેઓને કહ્યું હતું તો તે મને અને બાળકો સાથે મારઝૂડ કરતાં હતાં. સિટી એન્કર
Read Original Article →