MLA યોગેશ પટેલની આવતીકાલે અંતિમયાત્રા:ખાસવાડી સ્મશાન ખાતે પંચમહાભૂતમાં વિલીન થશે, મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો હાજર રહેશે
વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું ગત મંગળવાર, 2 જૂનના રોજ દુઃખદ નિધન થયું હતું. સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે સીધી લોકચાહના મેળવનારા આ લોકનેતાની અંતિમક્રિયા આવતીકાલે એટલે કે 4 જૂન, 2026 ગુરૂવારના રોજ સવારે કરવામાં આવશે. વરિષ્ઠ નેતાની અંતિમયાત્રામાં વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યના રાજકીય આગેવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને હજારોની સંખ્યામાં સમર્થકો જોડાશે. શહેરના સુપ્રસિદ્ધ ખાસવાડી સ્મશાન ખાતે તેઓના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવશે. દીકરાઓ વિદેશથી આજે રાત્રે વડોદરા પહોંચશે
ધારાસભ્ય યોગેશ પટેલના દીકરાઓ વિદેશમાં રહેતા હોવાથી તેઓ આજે મોડી રાત સુધીમાં વડોદરા આવી પહોંચશે, જેના કારણે અંતિમક્રિયા ૪ જૂનના રોજ રાખવામાં આવી છે. સ્વ. યોગેશ પટેલની સ્મશાનયાત્રા કારેલીબાગ સ્થિત 'અમદાવાદી પોળ' ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળશે. અંતિમક્રિયાને ધ્યાને રાખીને વડોદરા કોર્પોરેશન દ્વારા ખાસવાડી સ્મશાન ખાતે યુદ્ધના ધોરણે સફાઈ અને સમારકામ હાથ ધરાયું છે: સ્મશાનયાત્રાના રૂટ પર લાગ્યા શ્રદ્ધાંજલિના બેનરો
ગારગઢા લોકનેતાને આખરી વિદાય આપવા માટે વડોદરાના શહેરીજનોમાં ભારે શોકનો માહોલ છે. જે રૂટ પરથી અંતિમયાત્રા પસાર થવાની છે, તે આખા માર્ગ પર યોગેશ પટેલના મોટા-મોટા શ્રદ્ધાંજલિ બેનરો લગાવવામાં આવ્યા છે. અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટી પડવાની સંભાવનાને પગલે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન અને સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. CM સહિત અનેક નેતાઓ અંતિમ સંસ્કારમાં આપશે હાજરી
રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્યોમાં જેમની ગણના થતી હતી તેવા યોગેશ પટેલનો વિધાનસભામાં તમામ પક્ષના નેતાઓ સાથે અંગત ઘરોબો હતો. આથી, આવતીકાલે યોજાનારી અંતિમયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજરી આપે એવી પ્રબળ શક્યતા છે. મુખ્યમંત્રી ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ પ્રદેશ ભાજપના અગ્રણી જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજો વડોદરા આવી પહોંચશે.
Read Original Article →