યલો એલર્ટ:શહેરમાં આજે પણ યલો એલર્ટ, પારો 43 ડિગ્રી જવાની આગાહી

Gujarat5/14/2026, 12:53:15 AM
શહેરમાં ગુરુવારે યલો એલર્ટ અપાયું છે. ગરમીનો પારો 43 ડિગ્રી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બુધવારે પારો 1 ડિગ્રી ઘટીને 42 ડિગ્રી પહોચી ગયો હતો. ભેજયુક્ત પવનોથી બફારાનો અનુભવ થયો હતો. રીયલ ફિલ 43 ડિગ્રી જેટલી જ વર્તાઇ હતી. હવામાન વિભાગ અનુસાર, બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રી પહોંચી શકે છે. જોકે 48 કલાક બાદ પવનની દિશામાં ફેરફારની શક્યતાને પગલે તાપમાનમાં 2થી 4 ડિગ્રી ઘટાડો નોંધાઈ શકે છે. શહેરમાં બુધવારે દક્ષિણના પવનો ફુંકાતા ભેજનું પ્રમાણ વધ્યું હતું. 19 મે, બાદ વડોદરા સહિત રાજ્યમાં ગરમીનો પારો ઘટે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવસ દરમિયાન તરસ ન લાગે તો પણ દર 20-30 મિનિટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા રહો. પાણી ઉપરાંત છાશ, નારિયેળ પાણી અથવા લીંબુ અને વરીયાળીના શરબત જેવા કુદરતી પીણા લેવા પણ જણાવ્યું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં બુધવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 29.6 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 57 ટકા અને સાંજે 26 ટકા નોંધાયું હતું. જ્યારે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમની દિશાથી 11 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં.
Read Original Article →