ભાજપમાં ટિકિટનો વિવાદ શરૂ:તરસાલીમાં પૂર્વ કાઉન્સિલર કામિનીબેને 2ને વોટ આપજો કહેતાં કાર્યકરો ભડક્યાં
ભાજપ દ્વારા શહેરમાં ટિકિટની વહેંચણી બાદ જૂના કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી છે, જે સોશિયલ મીડિયા થકી બહાર આવી રહી છે. તરસાલીમાં ફેરણી દરમિયાન પૂર્વ મહિલા કાઉન્સિલરે 2 જ ઉમેદવારોને ટિકિટ આપવાનું કહેતાં કાર્યકરોએ પકડી પાડ્યાં હતાં, જેને કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બીજી તરફ ફેરણી ટૂંકાવવી પડી હતી. શહેરના વોર્ડ 19માં ભાજપે ગત બોર્ડનાં કાઉન્સિલર પુનિતાબેન વ્યાસને રિપીટ કર્યાં હતાં. રવિવારે તેઓએ કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. સાંજે તેઓ તરસાલીના મોતીનગરમાં ફેરણીમાં હતાં. પૂર્વ કાઉન્સિલર કામિનીબેન સોની પણ ચૂંટણી પ્રચારમાં જોડાયાં હતાં. આધારભૂત સૂત્રો મુજબ આ સમયે કામિનીબેન સોનીએ સ્થાનિક લોકોને 2 ઉમેદવારોને જ વોટ આપવાનું કહેતાં ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ તે સાંભળી ગયા હતા અને તેઓએ હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ ભાજપના કાર્યકરોમાં માથાકૂટ વધતાં ઉમેદવાર પુનિતાબેન વ્યાસની તબિયત લથડી હતી. તેઓને ઘરે લઈ જવાતાં ફેરણી ટૂંકાવવી પડી હતી. કાર્યકરોએ આ અંગેની ફરિયાદ ધારાસભ્યને કરતાં તેઓએ શહેર પ્રમુખનું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળ્યું છે. કાર્યકરોએ ફરિયાદ કરતાં કહ્યું છે કે, કામિનીબેન સોની વોર્ડ 19માં ચૂંટણી માટે ન આવે. આવું કંઈ બન્યું જ નથી, હું આવું બોલું તે શક્ય જ નથી
હું 35 વર્ષથી ભાજપમાં છું. વોર્ડ નંબર 19માં ફેરણી દરમિયાન આ પ્રકારની કોઈ ઘટના બની જ નથી. તેથી વધુ હું આવું કંઈક બોલું તે શક્ય જ નથી. > કામિનીબેન સોની, પૂર્વ કાઉન્સિલર, ભાજપ
Read Original Article →