કાચું કાપ્યું...:વોર્ડ 1ના રાગ મછારનું નામ મતદાર યાદીમાં નહીં,અંતે ભુરસિંહને ટિકિટ

Gujarat4/12/2026, 12:00:00 AM
પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા તમામ 76 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યાં હતાં. જોકે વોર્ડ 1માં એકાએક ભાજપના ઉમેદવાર બદલવાની સ્થિતિ ઊભી થઈ હતી. આ વોર્ડમાંથી જાહેર કરાયેલા ઉમેદવાર રાગ લલિતકુમાર મછારનું નામ પાલિકાની મતદાર યાદીમાં જોવા ન મળતાં પક્ષે છેલ્લી ઘડીએ તેમને બદલીને ભુરસિંહ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. ​ભાજપ એ આ વખતે વોર્ડ 1માં પોતાનું ખાતું ખોલાવવા કાર્યકરોની ફોજ ઉતારી છે. ભાજપ દ્વારા મિશન 76ના લક્ષ્યાંકને પાર પાડવા ભારે ચર્ચા-વિચારણા કર્યા બાદ અનેક નવા ચહેરાઓને તક આપી છે. જેમાં વોર્ડ-1માંથી રાગ મછારની પસંદગી કરાઈ હતી. જોકે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવાની હતી તેના ગણતરીના કલાકો પહેલાં જ જાણવા મળ્યું કે, તેમનું નામ મતદાર યાદીમાં નથી. આ ગંભીર ટેક્નિકલ ખામીને કારણે પક્ષની પ્રતિષ્ઠા દાવ પર ન લાગે તે હેતુથી તાત્કાલિક અસરથી ભુરસિંહ રાઠવાના નામની જાહેરાત કરાઈ હતી. બીજી તરફ ટિકિટ વિતરણને લઈને પક્ષમાં આંતરિક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. પાયાના અનેક કાર્યકરો કે જેઓ વર્ષોથી સક્રિય હતા તેમને ટિકિટ ન મળતાં નારાજગી વ્યાપી છે. ઉમેદવાર બદલાતાં અને જૂના જોગીઓની અવગણના થતાં સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →