સોની વેપારીને માર મારી લૂંટ કેસમાં વાસુનિયા ગેંગનો હાથ:બે આરોપીઓ ઝડપાયા, ચાર વોન્ટેડ; પત્નીની સારવાર માટે ગોરજ રહ્યા અને વાઘોડિયામાં લૂંટનો પ્લાન બનાવ્યો
વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે ગત 12 મેના રોજ એક સોની વેપારીને માથાના ભાગે પાઇપ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ચલાવવામાં આવેલી સનસનાટીભરી લૂંટના ગુનાનો વડોદરા એલ.સી.બી અને સ્થાનિક પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. લૂંટના ગુનાના તાર છેક મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી ચકાસી વાસુનીયા ગેંગના બે સભ્યોને ઝડપી પડયા છે જયારે અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા છે. વાઘોડિયાથી મધ્યપ્રદેશ સુધીના 450 સીસીટીવી ચેક કરાયા
વાઘોડિયામાં સોના ચાંદીનો વેપાર કરતા જીગ્નેશ સોનીને માથાના ભાગે માર મારી સોના ચાંગીના ઘરેણાં તેમજ રોકડ મળી અંદાજે લાખોની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ચકચારી લૂંટનો ભેદ ઉકેલવા માટે પોલીસ તંત્ર દ્વારા વાઘોડિયાથી લઈને છેક મધ્યપ્રદેશ સુધીના રૂટ પર આવેલા 450થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અત્યંત ઝીણવટપૂર્વક ચેક કરવામાં આવ્યા હતા. આ સઘન તપાસના અંતે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની કુખ્યાત વાસુનીયા ગેંગ આ ગુનામાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આ ગેંગના બે મુખ્ય સાગરીતો રમેશ પરમાર અને રમેશ ઉર્ફે રંગી તાહેબ (બંને રહે. ઝાબુઆ, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડી જેલભેગા કર્યા છે. પકડાયેલા આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે અગાઉ અનુક્રમે 3 અને 5 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ગુનામાં હજુ ચાર આરોપીઓ વોન્ટેડ, તમામ હિસ્ટ્રીશીટર
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ આખી લૂંટનું કાવતરું અત્યંત ચોંકાવનારી રીતે રચાયું હોવાનું સામે આવ્યું છે. આ ગેંગના ચાર સાગરીતો જેમાં ધુલેશ દિલીપ વાસુનીયા, જુવાનસિંહ વાસુનીયા, જેલું વાસુનીયા અને રમેશ વાસુનીયાનો સમાવેશ થાય છે, તેઓ હાલ પોલીસ પકડથી દૂર છે અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ આખી ગેંગ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં લૂંટ, ધાડ તેમજ આર્મ્સ એક્ટ જેવા અસંખ્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. વોન્ટેડ આરોપીઓ પૈકીના એક સાગરીત પર મહારાષ્ટ્રમાં કડક કાયદા ‘મકોકા’ (MCOCA) હેઠળ ગુનો નોંધાયેલો છે, જ્યારે અન્ય એક આરોપી અગાઉના ગુનામાં 13 વર્ષની સખત સજા કાપીને જેલમાંથી બહાર આવ્યો છે. વોન્ટેડ ધુપેશની પત્નીને ગોરજ સારવાર માટે લવાઈ હતી
વડોદરા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઘટનાના પહેલા આ ગેંગના સભ્યો વાઘોડિયા નજીક આવેલી ગોરજ હોસ્પિટલમાં રોકાયા હતા. મુખ્ય સૂત્રધાર ધુલેશની પત્નીની સારવાર આ હોસ્પિટલમાં ચાલી રહી હતી, અને તે સારવાર દરમિયાન અવારનવાર ખરીદી કરવાના બહાને વાઘોડિયા બજારમાં આવતો હતો, જ્યાં તેણે લૂંટની યોજના બનાવી હતી. વાઘોડિયામાં તેને અલગ અલગ વિસ્તારમાં સોના ચાંદીના વેપારીઓની રેકી કરી હતી અને બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.,ગોરજ ખાતેની હોસ્પિટલ તેઓને રહેવા માટે સેફ જગ્યા હતી જેનો તેઓએ ફાયદો ઉઠાવ્યો. વાઘોડિયામાં આ એક જ જવેલર્સ અવાવરી જગ્યાએથી જતા હતા
આ ગુનાહિત ટોળકીની લૂંટ કરવાની એક ચોક્કસ અને જૂની પદ્ધતિ (MO) છે. તેઓ જે તે વિસ્તારની સંપૂર્ણ રેકી કર્યા બાદ જ ગુનાને અંજામ આપે છે. આ મહિનાની 5મી તારીખે આ ગેંગ દ્વારા વાઘોડિયાની તમામ જ્વેલર્સની દુકાનોની રેકી કરવામાં આવી હતી. આ રેકી દરમિયાન તેમણે નોંધ્યું કે મોટાભાગના સોની વેપારીઓ ભીડભાડવાળા રસ્તાઓ પરથી પસાર થતા હતા, પરંતુ માત્ર આ એક જ સોની વેપારી રાત્રે દુકાન વધારીને અવાવરૂ અને એકલદોકલ જગ્યા પરથી પસાર થતો હતો, જેથી તેને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો. ઘટનાના એક દિવસ અગાઉ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ નીવડ્યો
આ ગેંગ દ્વારા લૂંટની ઘટનાના એક દિવસ અગાઉ 11મી મેના રોજ પણ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે દિવસે તેઓ સફળ થયા ન હતા. 11 તારીખે ધુલેશ લોખંડનો સળિયો લઈને આવ્યો હતો, પરંતુ સળિયાના પ્રહારથી વેપારીનું મોત થઈ જવાની બીકે તે દિવસે પ્લાન પડતો મુકાયો હતો. જો કે તે દિવસે ચાર રસ્તા ઉપર સોનીને પોતાના કેટલાક મિત્રો મળી ગયા હતા જેઓ સાથે તે ઉભા રહ્યા હતા અને સાથે ઘરે ગયા હતા. હાલ પોલીસ વોન્ટેડ ચાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.અને મુદ્દામાલની રિકવરી કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →