સિટી એન્કર:ભ્રષ્ટાચાર, પૂર, પાણી-ડ્રેનેજના પ્રશ્નોથી મતદારો ભાજપથી નારાજ,3% સ્વિંગ થવાનો આઇબીનો રિપોર્ટ, આખરે 60 ઉમેદવારો બદલી નાખ્યા
પાલિકાની ચૂંટણીમાં ભાજપનું મિશન 76 પૂરું નહીં થાય એવો આઇબીનો રિપોર્ટ હતો. જેથી ચોંકી ઊઠેલા મોવડી મંડળે 60 ઉમેદવાર બદલી નાખવા પડ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આઈબીના વિસ્તાર દીઠ રિપોર્ટમાં વર્તમાન કોર્પોરેટરો સામે મતદારોમાં રોષ હોવાનો ઉલ્લેખ હતો. ઉપરાંત પરંપરાગત મતદારોમાં 3 ટકા સ્વિંગ આવે તેવી શક્યતા દર્શાવાઈ હતી. પાર્લામેન્ટરી બેઠકમાં રિપોર્ટ રજૂ કરાયા બાદ 60 ઉમેદવારો બદલી નખાયા હતા. આઇબીના રિપોર્ટમાં કોર્પોરેટરો સામે મતદારોમાં ભારે રોષ હોવાનું જણાવાયું હતું.સાથે પરંપરાગત 3 ટકા મતદારો ભાજપથી વિમુખ થાય એવી શંકા દર્શાવી હતી. ઉપરાંત યુવા અને જેન-ઝી મતદારો સોશિયલ મીડિયા પર ભાજપ વિરુદ્ધ રોષ દર્શાવતી પોસ્ટ મૂકી રહ્યા હોવાનું જણાવ્યું હતું. કમિટેડ મતદારોમાં પૂર, ભ્રષ્ટાચાર, અને ખાડા સહિત કારણોથી આક્રોશ હોવાનું રિપોર્ટમાં દર્શાવાયું હતું. રિપોર્ટ જોઈ ભાજપનું મોવડી મંડળ ચોંકી ઊઠ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ 7થી વધી 12 ઉપરાંત બેઠકો મેળવી શકે છે એવો રિપોર્ટ હતો.જેથી નવા ચહેરા મૂકી મતદારોનો રોષ ઠંડો કરવા નિર્યણ પાર્લામેન્ટરી બેઠકમાં લેવાયો હતો. આઇબીએ રિપોર્ટમાં કયા કયા મુદ્દા દર્શાવ્યા 1 એન્ટી ઇન્કમ્બન્સી સૌથી મોટો મુદ્દો હતો, પરંતુ મતદારો ભાજપને વરેલા હોવાનું જણાવ્યું હતું. 2 ચોમાસામાં અડધું શહેર ડૂબ્યું હતું. તે સમયે ફસાયેલા લોકોને મોડી અને ઓછી મદદ મળી હતી. 3 નવા વિસ્તારોમાં પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્નો. વેમાલી, અટલાદરા, ભાયલી, ખટંબા, માણેજા, સુંદરપુરા, હરણી, સમા રોડના લોકોને હાલાકી. 4 કરાતાં વિકાસનાં કામોમાં કટકી અને હલકી ગુણવત્તાના કામને કારણે નાગરિકો પરેશાન થાય છે. 5 યુવા-ઝેન ઝી મતદારો સોશિયલ મીડિયા પર ભાજપ વિરુદ્ધ નિયમિત પોસ્ટ મૂકે છે. જેમાં હરણી બોટકાંડ બાદ ઉછાળો આવ્યો છે. 6 મતદારોની નારાજગીનો કોંગ્રેસ ભરપૂર ફાયદો ઉઠાવશે, જેને કારણે બેઠકો વધશે અને મિશન 76 પૂરું કરવામાં ભારે મુશ્કેલી થશે.
Read Original Article →