વાઘોડિયામાં વેપારીને લોહીલુહાણ કરી 40 ગ્રામ સોનું-₹50,000 રોકડની લૂંટ:લૂંટારુઓ ભાગવા જતાં બાઈક સ્લિપ થઈ, લોકો પકડી પાડે તે પહેલાં બાઈક મૂકી ફરાર
વડોદરા જિલ્લાના વાઘોડિયા બજારમાં ફિલ્મી ઢબે લૂંટની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. શહેરમાં ડીસી જવેલર્સ નામે સોના-ચાંદી અને ધીરધારનો વ્યવસાય કરતા વેપારી જીગ્નેશભાઈ પર ત્રણ બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કરી અંદાજિત 40 ગ્રામ સોનું અને 50,000 ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સોસાયટીના નાકે લૂંટારા રાહ જોઈ રહ્યા હતા
વેપારી જીગ્નેશભાઈ રાબેતા મુજબ રાતે પોતાની દુકાન બંધ કરીને નારાયણ નગર સોસાયટીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે સોસાયટીના નાકે પહોંચ્યા, ત્યાં અગાઉથી જ લૂંટારુઓ તેઓની રાહ જોઈ રહ્યા હોય તેમ એક બાઈક પર સવાર ત્રણ અજાણ્યા બુકાનીધારી ઈસમોએ તેમને આંતર્યા હતા. જીગ્નેશભાઈ કંઈ સમજે તે પહેલા લૂંટારુઓએ જીગ્નેશભાઈના માથાના ભાગે લાકડાના ફટકા વડે ઉપરા-છાપરી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં જીગ્નેશભાઈ નીચે પટકાતા લૂંટારુઓ તેમની પાસે રહેલી કિંમતી ઘરેણાં અને રોકડ ભરેલી બેગ ઝૂંટવીને પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા. રોડ પર બાઈક સ્લીપ થઇ, એક બાઈક મૂકી બીજી બાઈક પર ફરાર
વાઘોડિયા પોલીસ મથકના પી.આઈ. ગોહિલે જણાવ્યું કે, જીગ્નેશ સોની રાતે 8 વાગ્યાની આસપાસ દુકાન બંધ કરીને ઘરે આવી રહ્યા હતાં, દરમિયાન તેઓની સોસાયટીની બહાર જ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટ ચલાવીને ભાગી રહેલા ઈસમો બાઈક લઈને ભાગવા જતા હતા, દરમિયાન તેમની બાઈક રસ્તા પર સ્લીપ થઇ ગઈ હતી અને ત્રણેય લૂંટારુઓ જમીન પર પટકાયા હતા. જો કે આસપાસના રહીશો જાગી જાય અને તેઓ પકડાઈ જાય તેવી બીકે લૂંટારુઓ એક બાઈક ઘટનાસ્થળે જ પડતી મૂકીને જ નાસી છૂટ્યા હતા. મધ્યપ્રદેશ પાસિંગની બાઈક મૂકી ભાગ્ય, 4 લૂંટારા હોવાની સંભાવના
પી.આઈ. ગોહિલે જણાવ્યું કે, બે બાઈક પર લૂંટારુઓ આવ્યા હતા. અંદાજે ચાર જેટલા લૂંટારુ હોવાની સંભાવના છે. હાલમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. લૂંટારુઓ જે બાઈક મૂકીને ભાગ્યા છે તે મધ્યપ્રદેશ પાસિંગની છે. ઇજાગ્રસ્ત જીગ્નેશભાઈ સોની હાલ સારવાર હેઠળ છે. લૂંટની ગંભીરતાને જોતા વાઘોડિયા પોલીસ, એલસીબી, અને એસઓજીની ટીમો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લૂંટારુઓની બાઈક કબજે કરી છે અને બાઈકના નંબર તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટારુઓ લાંબા સમયથી રેકી કરતા હોવાની શક્યતા
વાઘોડિયા ટાઉનમાં રાતે 8 ઘટના બાદ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જો કે, ઉનાળાના સમયમાં રાતે 8 વાગે ઘટેલી ઘટના એ પોલીસ સામે પડકાર ફેંકી રહી છે. કારણ કે ઉનાળામાં રાતે 8 વાગે મોટાભાગના લોકો બહાર ટહેલતા હોય છે. આ ઉપરાંત લૂંટારુઓ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી રેકી કરવામાં આવતી હોવાની પણ શકયતા છે. કારણ કે, જીગ્નેશ સોની કયા સમયે ઘર પાસે આવશે અને ત્યારે કેટલા લોકો ઘરના નાકા પાસે હોય છે આ તમામ વિગતો અગાઉથી જ લૂંટારૂઓએ મેળવી લીધી હોઈ શકે છે અને ત્યારબાદ જ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. હાલ તો પોલીસે આ ઘટનામાં લૂંટારૂઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →