પરિવાર ઊંઘતો રહ્યો અને ઘર સાફ થઈ ગયું:વાઘોડિયા રોડ પર ખુલ્લા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 92 હજારની ચોરી
વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનામાં તસ્કરોએ જાણે શહેરને માથે લીધું હોય તેમ રોજની અનેક ફરિયાદો સામે આવી રહી છે. શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ મધુપાર્ક સોસાયટીમાં રહેતા એક પરિવાર દરવાજો ખુલ્લો રાખી ઉંઘતો હતો. તે દરમિયાન ઘરમાંથી અજાણ્યા ચોર ઘૂસ્યા હતા અને સોના-ચાંદીના દાગીના મળી 92 હજાર મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે ગરમી લાગતા ઘરના દરવાજા ખુલ્લા રાખીને પરિવાર સૂઈ ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા રોડ પર આવેલી મધુપાર્ક સોસાયટીમાં રહેતા અને ભંગાર લે-વેચ તથા ગણપતિજીની મૂર્તિ બનાવવાનું કામ કરતા અનિલભાઈ રમણભાઈ રાજપુતે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 3મેની રાત્રે તેમના નાના દીકરા પૃથ્વીની તબિયત ખરાબ હોવાથી પરિવાર આખી રાત તેની સારવારમાં જાગતો રહ્યો હતો. વહેલી સવારે ગરમી લાગતા ઘરના દરવાજા ખુલ્લા રાખીને પરિવાર સૂઈ ગયો હતો, જ્યારે રસોડામાં આવેલી તિજોરીની ચાવી પણ ભરાવેલી હાલતમાં હતી. 92,150ની મત્તા ચોરી કરી ફરાર થયો હતો
સવારે આશરે સાડા છ વાગ્યે નાના દીકરાએ રસોડામાં જઈ તિજોરી ખુલ્લી હાલતમાં જોતા પરિવારને જાણ કરી હતી. તપાસ કરતાં તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ચોર સોનાની પોચી, વીંટી, પેન્ડલ, નાકની વાળી, નથણી તેમજ ચાંદીની વીંટીઓ, અંગુઠીઓ અને પાયલ સહિત કુલ રૂ. 92,150ની મત્તા ચોરી કરી ફરાર થયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Read Original Article →