યુવકે રીલ બનાવવા દીપડાને દોડાવ્યો, VIDEO:બોલ્યો- મેં એવું કામ કર્યું જે આખી દુનિયામાં કોઈ ન કરી શકે, વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષાના ધજાગરા ઉડ્યા
વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાની પજવણીનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોએ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા પ્રાણીઓની અને અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયોમાં બે થી ત્રણ યુવકો દીપડાને જ્યાં રાખવામાં આવ્યા છે તે ગુફા સુધી પહોંચીને રીલ બનાવતા જોવા મળી રહ્યા છે. યુવકો પાંજરાની બહાર દોડીને દીપડાને દોડાવતા પણ દેખાઈ રહ્યા છે. સાથે રીલ બનાવીને યુવક કહી રહ્યો છે કે, આખી દુનિયામાં કોઈ ન કરી શકે એવું કામ મેં કર્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ વીડિયો વાઈરલ કરવા લોકોને અપીલ પણ કરી રહ્યો છે. રીલ બનાવવાના ચક્કરમાં દીપડાને દોડાવ્યો
વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં હજારો સહેલાણીઓ આવે છે. હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે અહીં કેટલાય સહેલાણીઓ પ્રાણીઓ જોવા આવે છે. ખાસ કરીને બાળકોને અહીં ખુબ મઝા આવે છે. પરંતુ પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષામાં ચૂક થઇ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ત્રણ જેટલા યુવાનો છેક દીપડાના પાંજરા સુધી પહોંચી ગયા હતા. એટલું જ નહિ આ યુવાનોએ દીપડાને હેરાનગતિ કરી હોવાનું પણ માલુમ પડી રહ્યું છે. આ પૈકી એક યુવાન દીપડાને દોડાવી રહ્યો હોવાનું પણ જણાઈ રહ્યું છે. આ યુવાનોએ માત્ર નિયમોનું ઉલ્લંઘન જ નથી કર્યું, પરંતુ ત્યાં જઈને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે રીલ્સ અને વીડિયો પણ બનાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બોલો, વીડિયોમાં કહ્યું- દુનિયામાં કોઈ ન કરી શકે એવું કામ અમે કર્યું!
આ વીડિયો વાયરલ થતા વડોદરા કોર્પોરેશનના ઝૂ સત્તાધીશો અને સુરક્ષા એજન્સીની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. વન્યજીવોની સુરક્ષા અને મુલાકાતીઓની સલામતીના મોટા-મોટા દાવા કરતી સિક્યોરિટી આ સમયે ક્યાં ઊંઘતી ઝડપાઈ તે એક મોટો સવાલ છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ત્રણેય યુવાનો દીપડાના પાંજરાની બિલકુલ નજીક પહોંચી ગયા હતા. એટલું જ નહીં, આ વીડિયોમાં તેઓ દીપડાને હેરાન કરતા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. હદ તો ત્યારે થઈ જ્યારે આ યુવાનોએ વીડિયોમાં ગર્વથી એવો દાવો પણ કર્યો કે, સમગ્ર વડોદરામાં માત્ર અમે ત્રણ જ એવા યુવાનો છીએ જેઓ આ જગ્યા સુધી પહોંચવામાં સફળ રહ્યા છીએ. આ નિવેદન દર્શાવે છે કે તેમને કાયદો કે વ્યવસ્થાનો કોઈ જ ડર રહ્યો નથી. યુવકે વીડિયોમાં કહ્યું, પાંજરું ન હોત તો દીપડો અમને ખાઈ જાત
વીડિયોમાં યુવાન બોલતો નજરે પડે છે કે, આ દીપડો અમને ખાઈ જાત બસ વચ્ચે પાંજરું છે એટલે અમે બચ્યા. નોંધનીય છે કે, દીપડો એક અત્યંત હિંસક અને ડરપોક પ્રાણી હોવાથી, જો તે જરા પણ ઉશ્કેરાયો હોત અથવા પાંજરામાંથી કોઈ હુમલો કર્યો હોત, તો આ ત્રણેય યુવાનોનો જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત. ભૂતકાળમાં પણ પ્રાણીસંગ્રહાલયોમાં આવી બેદરકારીને કારણે મોટી દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે, છતાં આ યુવાનોએ પોતાના જીવના જોખમે આ કૃત્ય આચર્યું હતું. પ્રાણીઓની સુરક્ષા સામે સવાલો
આ અંગે ઝૂ ક્યૂરેટરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓનો ફોન લાગ્યો ન હતો. આ ઘટના વાયરલ થતાં જ વડોદરાના પ્રકૃતિપ્રેમીઓ અને મુલાકાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કમાટીબાગમાં લાખો રૂપિયાના ખર્ચે સુરક્ષા ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે, તો પછી આ યુવાનો આટલી અંદર સુધી કેવી રીતે પ્રવેશી શક્યા? શું સુરક્ષાકર્મીઓ હાજર નહોતા કે પછી તેમની મિલીભગત હતી? આ મામલે ઝૂ સત્તાધીશોએ વીડિયોના આધારે તપાસના આદેશ આપ્યા છે અને સિક્યોરિટી એજન્સી પાસેથી ખુલાસો માંગ્યો છે. પ્રાણીઓને હેરાન કરવા અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવા બદલ વાયરલ વીડિયોના આધારે આ યુવાનોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.
Read Original Article →