પત્નીની નજર સામે જ પતિને ચાકુના ઘા ઝીંકી પતાવી દીધો:વડોદરામાં પત્નીએ કહ્યું- મારા ગિરીશને પાછો લાવી આપો; એકના એક પુત્રના મોતથી માતાનું આક્રંદ

Gujarat6/3/2026, 7:09:42 AM
પત્નીની નજર સામે જ પતિને ચાકુના ઘા ઝીંકી પતાવી દીધો:વડોદરામાં પત્નીએ કહ્યું- મારા ગિરીશને પાછો લાવી આપો; એકના એક પુત્રના મોતથી માતાનું આક્રંદ
વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. વડોદરામાં વધુ એક લોહીયાળ ઘટના સામે આવી છે. વડોદરાના વડસર ગામમાં આવેલા ભાલિયાવાસમાં રહેતા 30 વર્ષીય ગિરીશ ભાલીયા નામનો યુવાન પોતાની પત્ની અને પરિવાર સાથે કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. આ દરમિયાન ત્યાં અગાઉથી જ હાજર ઘાતકી તત્વોએ જૂની અદાવતનો ખાર રાખીને પ્લાન બનાવીને ગિરીશને નિશાન બનાવ્યો હતો. હુમલાખોરોએ કોઈ પણ ડર વગર, પત્નીની નજર સામે જ ગિરીશ પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં યુવાન ત્યાં જ ઢળી પડ્યો હતો અને મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા અટલાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હત્યાના કારણે એક હસતો-રમતો પરિવાર ઉજ્જડ થઈ ગયો છે. મૃતક ગિરીશ પોતાના માતા-પિતાનો એકનો એક લાડકવાયો દીકરો હતો, જેના મોતના સમાચાર સાંભળતા જ વૃદ્ધ માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ, માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પત્નીએ આક્રંદ સાથે કહ્યું હતું કે, મારા ગિરીશને પાછો લાવી આપો. તો યુવકની માતાએ પણ દીકરાના મૃત્યુને પગલે આક્રંદ કર્યું હતું. આરોપીએ મૃતકની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી મૃતક ગિરીશભાઈ ભાલીયાની 24 વર્ષીય પત્ની પૂજાબેને ભાલીયાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તા. 29 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદ જિલ્લાના દહેગામ ખાતે તેમના મામા સસરા સંજયભાઈના લગ્ન પ્રસંગમાં તેઓ તેમના પતિ તેમજ સાસુ-સસરા સાથે હાજર રહ્યા હતાં. તે દરમિયાન દર્શન મારવાડીએ પૂજાનો હાથ પકડી તેમની છેડતી કરી હતી. આ ઘટનાની જાણ તેમણે તરત જ તેમના પતિ, સાસુ-સસરા અને અન્ય સગા સંબંધીઓને કરતા દર્શન મારવાડી ત્યાંથી ભાગી ગયો હતો. ગત રાતે માતાજીના માંડવામાથી પરત ફર્યા બાદ પતાવી દીધો વડોદરા પરત ફર્યા બાદ સમાજના આગેવાનો અને સભ્યોની હાજરીમાં બોલાવવામાં આવેલી પંચાયત દરમિયાન દર્શન મારવાડીએ છેડતી કર્યાની કબૂલાત કરી હતી. આ ઘટનાને કારણે તેને સમાજમાં અપમાનનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ગત રાતે(2 જૂન) સમાજનો માતાજીનો માંડવો કલાલીના ગોકુળનગર પાછળ આવેલા મેદાનમાં યોજાયો હતો. જ્યાં પૂજા, તેમના પતિ ગિરીશભાઈ તથા દિયર મેહુલભાઈ હાજર હતા. રાત્રે આશરે 3.15 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓ ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે ગિરીશભાઈ પાણીની બોટલ લેવા સ્ટોલ પાસે ઊભા હતાં. બે શખશ યુવાન પર ચાકુ લઈને તૂ઼ટી પડ્યા હતાં તે દરમિયાન દર્શન મારવાડી અને કરણ મારવાડી ફોરવ્હિલરમાં ત્યાં પહોંચ્યા હતા. બંને ગાડીમાંથી ઉતરી ગિરીશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દર્શને ગિરીશભાઈના માથા પર મુક્કો મારી તેમજ ચાવી વડે કપાળ પર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ બંનેએ તેમને નીચે પાડી માર માર્યો હતો. દરમિયાન દર્શન મારવાડીએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ગિરીશના પેટની નીચેના ભાગે તેમજ બંને જાંઘ પર ઘા ઝીંક્યા હતાં, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ થઈ ગયા હતાં. મૃતકની પત્નીએ બૂમાબૂમ કરતાં આરોપીઓ રફૂચક્કર થયા મૃતકની પત્ની પૂજાબેને બૂમાબૂમ કરતા તેમના દિયર મેહુલભાઈ વચ્ચે પડ્યા હતા, જેના કારણે બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઘાયલ ગિરીશભાઈને સગાસંબંધીઓની મદદથી અક્ષર ચોક સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાંથી સરકારી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ મળતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ગિરીશભાઈને મૃત જાહેર કર્યા હતા. 'અગાઉ કોઈ બાબતે ઝઘડો કે અદાવત ચાલી રહી હતી' આ ચકચારી હત્યાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ છે. પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, કરણ મારવાડી અને દર્શન મારવાડી નામના શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ગિરીશની હત્યા કરી છે. આ બંને શખ્સો સાથે અગાઉ કોઈ બાબતે ઝઘડો કે અદાવત ચાલી રહી હતી, જેનો બદલો લેવા માટે તેમણે આ ભયાનક પગલું ભર્યું હતું. ઝડપથી કડક કાર્યવાહી કરવા મૃતકના ભાઈની માગ મૃતકના પિતરાઈ મેહુલ ભાલીયાએ જણાવ્યું હતું કે, અમે કલાલી પાસે માતાજીનું મંદિર ખાતે ગયા હતા. હું, મારા ભાભી અને મારો ભાઈ, અમે બધા ત્યાં ગયા હતા. આ સમયે કરણ મારવાડી અને દર્શન મારવાડી ગાડીમાં બેઠેલા હતા. વધુમાં કહ્યું કે, પરિવારમાં મમ્મી, પપ્પા, મૃતકને પત્ની અને એક દીકરી છે. અમારી પોલીસ પાસે એટલી જ માંગ છે કે, આ બાબતે ઝડપથી કડક કાર્યવાહી કરવામાં આવે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, બંને સામે ગુનો નોંધાયો સામાજિક પ્રસંગમાં જાહેરમાં થયેલી આ હત્યાના પગલે કલાલી વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને પત્નીની ફરિયાદના આધારે હત્યાનો દર્શન મારવાડી અને કરણ મારવાડી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો વડોદરામાં તીક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી કેટરિંગ સંચાલકને પતાવી દીધો વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં 28 મે, 2026ના મોડીરાત્રે એક પાર્ક કરેલી કારમાંથી કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બાબુસિંઘ ચૌહાણ નામના યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી હતી. ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારાના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે મૃતકના જ વ્યવસાયી મિત્ર હિરેન ઠક્કરની ધરપકડ કરી લીધી હતી. બંને વચ્ચે હોટલમાં જમવા બાબતે અને વ્યાપારી મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ આ ઘાતકી હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ પણ વાંચો...મિત્રએ જ કેટરિંગ સંચાલકને ચાકુના 7 ઘા ઝીંક્યાં, હત્યા સમયે હાજર હતા પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન પણ સ્થળ પર હાજર હોવાની વાત પોલીસને જાણવા મળી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો...પોલીસે આરોપી હિરેન ઠક્કરને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું
Read Original Article →