20 વર્ષીય યુવકનું અપહરણ કરી વાળ પકડી નગ્ન વીડિયો બનાવ્યો:ઢોર માર મારતા મોઢામાંથી લોહી નીકળ્યું; મિત્રનો મોબાઇલ પરત માંગતા વડોદરાના 6 શખસની હેવાનિયત
સંસ્કારી નગરી વડોદરાના સનફાર્મા રોડ પર ગુનાખોરીની એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. મિત્રનો આંચકી લીધેલો મોબાઈલ ફોન પરત માંગવાની સામાન્ય બાબતમાં 6 શખ્સોએ ભેગા મળીને એક 20 વર્ષીય યુવકનું કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવકને નિર્દયતાપૂર્વક ઢોર માર મારી, તેને નિર્વસ્ત્ર કરી નગ્ન વીડિયો ઉતાર્યો હોવાની સનસનાટીપૂર્ણ વિગતો બહાર આવી છે. હુમલાખોરો એટલેથી જ ન અટકતા યુવક પાસેથી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ મામલે પીડિત યુવકે અટલાદરા પોલીસ સ્ટેશનમાં 6 નામચીન શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર ફોન પરત માંગતા શરૂ થઈ હતી અદાવત
મળતી માહિતી મુજબ, વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાં આવેલા પાર્વતીનગરમાં રહેતા 20 વર્ષીય યુવકના મિત્ર શિવાંશ શુકલાનો મોબાઈલ ફોન આશરે 10 મહિના પહેલા નીલ સહાની નામના શખ્સોએ દાદાગીરી કરીને પડાવી લીધો હતો. આ ફોન પરત મેળવવા માટે પીડિત યુવકે ઇન્સ્ટાગ્રામ મારફતે નીલ સહાનીનો સંપર્ક કર્યો હતો. જો કે, તે સમયે નીલના સાગરીત પ્રતિકસિંહ રાજપૂતે ફોન પર પીડિત યુવકને ગંદી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મધરાતે રસ્તામાંથી ઉઠાવી કારમાં આચર્યો અત્યાચાર
આ અદાવતમાં ગત 7 જાન્યુઆરી, 2025ની મધ્યરાત્રિએ પીડિત યુવક જ્યારે પોતાના મિત્રના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે વિનાયક હાઉસિંગ નજીક આકાશ થાપા અને મિશ્રા નામના શખ્સોએ તેને રસ્તામાં રોક્યો હતો. બંને શખ્સોએ ઝઘડો કરી પીડિતને બળજબરીપૂર્વક સ્કૂટર પર બેસાડી સનફાર્મા રિંગ રોડ પર ભારત પેટ્રોલ પંપ નજીક લઈ ગયા હતા. જ્યાં નીલ સહાની, પ્રતિકસિંહ, મનોજ યાદવ અને તરુણ યાદવ કાર લઈને અગાઉથી જ હાજર હતા. ત્યાં પહોંચતા જ પ્રતિકસિંહે કારમાંથી લાકડાનો દંડો કાઢી પીડિત પર હુમલો કર્યો હતો અને તેને બળજબરીથી કારમાં ઠાંસી દીધો હતો. બિલ કેનાલ રોડ પર નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવ્યો, રોકડ લૂંટી લીધી
આરોપીઓ યુવકનું અપહરણ કરીને બિલ કેનાલ રોડ તરફ લઈ ગયા હતા, જ્યાં તેને બેરહેમીથી ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ પીડિત યુવકને ડરાવવા અને બ્લેકમેલ કરવાના બદઇરાદાથી તેના કપડાં ઉતરાવીને તેનો નગ્ન વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ હુમલાખોરોએ યુવકનો મોબાઈલ ફોન અને પાકીટમાંથી ₹2000ની રોકડ રકમ પણ લૂંટી લીધી હતી. અત્યાચાર ગુજાર્યા બાદ આરોપીઓએ યુવકને ભીમતળાવ ચોકડી પાસે ઉતારી દીધો હતો અને ધમકી આપી હતી કે, જો પોલીસ ફરિયાદ કરી કે માતા-પિતાને જાણ કરી તો જાનથી મારી નાખીશું. ધમકીથી ડરી ગયેલો યુવક બે દિવસ મિત્રના ઘરે છુપાયો
આરોપીઓના આતંક અને નગ્ન વીડિયો વાઇરલ થવાના ભયથી ગભરાઈ ગયેલો પીડિત યુવક સીધો ઘરે જવાના બદલે પોતાના એક મિત્રના ઘરે જતો રહ્યો હતો અને ત્યાં બે દિવસ સુધી રોકાયો હતો. બીજી તરફ પરિવારજનોએ યુવકનો સંપર્ક ન થતાં શોધખોળ શરૂ કરી હતી. અંતે પીડિત યુવકે ઘરે પરત ફરીને માતા-પિતા સામે સમગ્ર આપવીતી વર્ણવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પરિવારના સભ્યોએ હિંમત આપતા આખરે યુવક તેની માતા સાથે અટલાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. 6 શખ્સો સામે ગુનો દાખલ
અટલાદરા પોલીસે પીડિત યુવકની ફરિયાદના આધારે 6 આરોપીઓ સામે અપહરણ, હુમલો, લૂંટ અને ધમકી સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.
Read Original Article →