ગોત્રીની સોસાયટીના બંધ મકાનમાંથી યુવકનો મૃતદેહ મળ્યો:3 દિવસથી દરવાજો ન ખોલતા અને વાસ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી'તી
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ઓમનગર સોસાયટીના સી-55 નંબરના મકાનમાંથી ગત મોડી રાત્રે એક યુવાનનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ સૂરજ નાયર (ઉંમર.30 વર્ષ) તરીકે થઈ છે. ઘટનાની જાણ થતા ગોત્રી પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ઘરમાં જઈને જોયું તો યુવક મૃત હાલતમાં પડ્યો હતો
પ્રાથમિક માહિતી મુજબ, છેલ્લા ત્રણ દિવસથી મકાનનો દરવાજો ન ખૂલતા પાડોશીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘરમાં જઈને જોયું તો યુવક મૃત હાલતમાં પડ્યો હતો. ગોત્રી પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતક એકલવાયું જીવન જીવતો હતો અને નંદેસરી સ્થિત ખાનગી કંપનીમાં કામ કરતો હતો. 'લોકોએ દરવાજો ખખડાવ્યો પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો'
મૃતકના માસીના દીકરા અતુલ કુરૂપે જણાવ્યું હતું કે, ગોકુલ પાર્ટી પ્લોટની સામે આવેલી ઓમ હાઉસિંગ સોસાયટીમાં મારો માસીનો છોકરો જેનું સુરજ નાયર રહેતો હતો. અહીંના સ્થાનિક દુકાનદારોએ મને જાણ કરી કે સુરજના ઘરમાંથી છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય વાસ આવી રહી છે. સોસાયટીના લોકોએ દરવાજો ખખડાવ્યો પણ અંદરથી કોઈ જ જવાબ મળ્યો નહોતો, એટલે પાડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને અમને પણ બોલાવ્યા હતાં. 'માતા-પિતા બંનેનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે'
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કયા કારણોસર આ ઘટના બની તે હજુ અકબંધ છે. પોલીસ તપાસ કરી રહી છે. સુરજ અહીં એકલો જ રહેતો હતો. તેના માતા-પિતા બંનેનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે.
Read Original Article →