અલાદપુરા ગામમાં ફાર્મહાઉસમાંથી યુવકનો મૃતદેહ મળ્યો:ગેરકાયદેસર થ્રી-ફેઝ કરંટ લાગતા જીવ ગયાનો પરિવારનો આક્ષેપ, આંબાવાડિયામાં યુવકના શંકાસ્પદ મોતથી પોલીસ તપાસ શરૂ
વડોદરા જિલ્લાના અલાદપુરા ગામના ફાર્મ હાઉસમાં આંબાવાડિયામાં વીજ તાર પર લટકેલી 35 વર્ષીય યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ખેતરમાં ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા થ્રી-ફેઝ વીજ કરંટના કારણે મોત થયું હોવાના આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ મામલે વરણામા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજેન્દ્રસિંહની લાશ વીજ તાર પર લટકેલી મળી
મૃતકના પિતરાઈ ભાઈ સંદીપભાઈએ જણાવ્યું હતું કે, તેમના પિતરાઈ ભાઈ રાજેન્દ્રસિંહ ઠાકોર 3 જૂનની રાત્રે આશરે 10થી 10:30 વાગ્યાની વચ્ચે ઘરેથી નીકળ્યા હતા. પરિવારજનોએ આખી રાત તેમની શોધખોળ કરી હતી અને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. બીજા દિવસે સવારે આશરે 10 વાગ્યે જાણ થઈ હતી કે, અલાદપુરા ગામ નજીક આવેલા એક આંબાવાડિયામાં રાજેન્દ્રસિંહની લાશ વીજ તાર પર લટકેલી હાલતમાં મળી આવી છે. સ્થળ પર ઝાટકા મશીન પણ લગાવવામાં આવ્યું હતું. પરિવારજનો જ્યારે સવારે આશરે 10:30 વાગ્યે સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈને એવું લાગતું નહોતું કે ઝાટકા મશીન ચાલુ હાલતમાં હતું. થાંભલેથી સીધી થ્રી-ફેઝ વીજ લાઇન ખેંચીને કરંટ આપવામાં આવ્યો હતો અને આ જ કરંટ લાગવાથી રાજેન્દ્રસિંહનું મોત થયું હોવાની તેમને પૂરી શંકા છે. તેમણે જણાવ્યું કે આ ખેતરના માલિક ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ખેતરના માલિકનો પુત્ર સવારે આશરે 6થી 7 વાગ્યાની વચ્ચે સ્થળ પર બે વખત આવ્યો હતો અને થાંભલેથી આપવામાં આવેલા ડાયરેક્ટ વીજ કરંટ બંધ કરીને ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, ઘટના અંગે ગામમાં રહેતા તેમના પરિવાર અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા મૃતકના પરિવારને જાણ કરવામાં આવી નહોતી. થ્રી-ફેઝ કરંટ લાગતા જીવ ગયાનો પરિવારનો આક્ષેપ
રોજિંદા આ માર્ગ પરથી પસાર થતા મજૂરોએ મૃતકના કપડાં પરથી ઓળખ કરી પરિવારને માહિતી આપી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ઘટનાની જાણ હોવા છતાં કોઈ માનવતા દાખવવામાં આવી નહોતી અને મામલો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા થ્રી-ફેઝ વીજ કરંટના કારણે જ રાજેન્દ્રસિંહનું મૃત્યુ થયું હોવાનું જણાવી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી તેમને ન્યાય અપાવવાની માંગ કરી છે.
Read Original Article →